
વાત્સલયમ સમાચાર
વાંસદા ડાંગ

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વૈશ્વિક પરિસ્થિતિ અને ઊર્જા સંકટને ધ્યાનમાં રાખી દેશવાસીઓને જરૂરી હોય તેટલો જ ઇંધણ અને ગેસનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. દેશના ઉચ્ચ પદાધિકારીઓ પણ આ સંદેશને ગંભીરતાથી લઈ મિતવ્યયી વલણ અપનાવતા જોવા મળી રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ,આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા પાયલોટ અને એસ્કોર્ટ વાહનોનો ત્યાગ કરી સામાન્ય રીતે પ્રવાસ કરવાની પહેલ દેશ સમક્ષ એક સકારાત્મક સંદેશરૂપ બની છે.પરંતુ બીજી તરફ રાજ્યના સૌથી શાંત ગણાતા આદિવાસી ડાંગ જિલ્લામાં વિપરીત સ્થિતિ જોવા મળી રહી હોવાના સવાલો ઉઠી રહ્યા છે. ડાંગના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ સરકારી પાયલોટ વાહન સાથે પોતાની ઇનોવા કારમાં બેરોકટોક ફરી રહ્યા હોવાના દૃશ્યો હાલ ચર્ચાનો વિષય બન્યા છે.એક તરફ દેશના વડાપ્રધાન ઇંધણ બચત માટે અપીલ કરે અને બીજી તરફ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સરકારી સંસાધનોનો આડેધડ ઉપયોગ થાય તો સામાન્ય નાગરિકોમાં પ્રશ્નો ઉભા થવા સ્વાભાવિક છે. લોકોમાં ચર્ચા છે કે શું પ્રધાનમંત્રીની અપીલ માત્ર સામાન્ય પ્રજા માટે જ છે? શું ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે અલગ માપદંડ છે?
ડાંગ જેવા શાંતિપ્રિય જિલ્લામાં સતત પાયલોટ વાહન સાથે ફરવાની કેટલી આવશ્યકતા છે તે મુદ્દે પણ ચર્ચા તેજ બની છે. જ્યારે દેશ આર્થિક પડકારો, ઇંધણ બચત અને ખર્ચ ઘટાડા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે જનપ્રતિનિધિઓએ પણ સાદગી, પારદર્શિતા અને જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ તેવી લાગણી લોકોમાં જોવા મળી રહી છે.હવે જોવાનું રહ્યું કે પ્રધાનમંત્રીની અપીલને ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓ કેટલા ગંભીરતાથી લે છે અને શું ડાંગ જિલ્લાના જવાબદાર પ્રતિનિધિઓ પણ દેશહિતમાં ઇંધણ બચતનો સંદેશ અમલમાં મૂકે છે કે નહીં.





