AHAVADANG

ગુજરાતમાં IAS અધિકારીઓની બદલીનો ધમધમાટ: ડાંગ જિલ્લા કલેકટર શાલિની દુહાનની બદલી…

વાત્સલયમ સમાચાર

   મદન વૈષ્ણવ

ગુજરાત રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરતા IAS કેડરના અનેક અધિકારીઓની બદલીનાં આદેશો જાહેર કર્યા છે. લરાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ બદલીમાં ડાંગ જિલ્લાને લગતા બે મહત્વના અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.જાહેર થયેલા આદેશ મુજબ ડાંગ-આહવા ખાતે કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા શાલિની દુહાન (IAS)ની બદલી કરવામાં આવી છે. તેમને હવે અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ હેઠળ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે.શાલિની દુહાનની જગ્યાએ એન.ડી. પરમાર (IAS)ને ડાંગ જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ એન.ડી. પરમાર રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરમાં જોઈન્ટ ઇલેક્શન કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.આ સાથે જ ડાંગ ખાતે પ્રાયોજના વહીવટદાર, ટ્રાઇબલ એરિયા સબ પ્લાન તરીકે ફરજ બજાવતા પાટીલ આનંદ આશોક (IAS)ની પણ બદલી કરવામાં આવી છે. તેમને હવે વડોદરા જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આ વહીવટી ફેરફારોને પગલે ડાંગ જિલ્લા વહીવટી તંત્રમાં નવી જવાબદારીઓ સાથે નવા અધિકારીઓની એન્ટ્રી થઈ છે.આગામી દિવસોમાં નવા કલેક્ટર એન.ડી. પરમાર દ્વારા ડાંગ જિલ્લા સહીત પ્રખ્યાત ગિરિમથક સાપુતારાની વહીવટી કામગીરી અને વિકાસલક્ષી યોજનાઓને કેવી ગતિ મળે છે તેના પર સૌની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે એકસાથે અનેક જિલ્લાઓમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર સહિતના મહત્વના હોદ્દાઓ પર ફેરફારો કરીને વહીવટી માળખામાં નવી ગતિ લાવવાનો પ્રયાસ કરી સરાહનીય પગલુ ભર્યુ છે.

Back to top button
error: Content is protected !!