WAKANER:વાંકાનેર તાલુકાના અરણીટીંબા કચેરી કાંડ: તલાટી પર દબાણ, વીડિયો વાયરલ મામલે મંત્રી મંડળ લાલઘૂમ







WAKANER:વાંકાનેર તાલુકાના અરણીટીંબા કચેરી કાંડ: તલાટી પર દબાણ, વીડિયો વાયરલ મામલે મંત્રી મંડળ લાલઘૂમ


વાંકાનેર: વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી-કમ-મંત્રી સાથે ગેરવર્તણૂક, સરકારી

કામગીરીમાં રુકાવટ અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવાના મામલે વિવાદ ઉગ્ર બન્યો છે. ઘટનાને લઈને વાંકાનેર તાલુકા તલાટી-કમ-મંત્રી મંડળે તાલુકા વિકાસ અધિકારી (TDO) સમક્ષ આવેદન પત્ર આપી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.મળતી માહિતી મુજબ, તા. 12/05/2026 ના રોજ અરણીટીંબા ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી એ.એમ. કાદરી ફરજ પર હાજર હતા ત્યારે ગામના અરજદાર નઇમ મુસા દ્વારા જન્મનું ‘અપ્રાપ્ય પ્રમાણપત્ર’ (ફોર્મ નં. 10) કાઢી આપવા રજૂઆત કરવામાં આવી હતી. રેકોર્ડ ચકાસતા વર્ષ 1975 ના જન્મ રજીસ્ટરમાં નામ “નઇમ મહમદ અભરામ હજામ’ તરીકે નોંધાયેલ હોવાનું સામે આવ્યું હતું. તલાટીએ નિયમ મુજબ નામમાં વિસંગતતા હોવાથી પ્રમાણપત્ર તાત્કાલિક આપી શકાય નહીં તેવી સમજાવટ કરતા મામલો ગરમાયો હતો. આક્ષેપ મુજબ, અરજદારે પોતાના પરિવારના 12 થી 15 સભ્યોને કચેરીએ બોલાવી તલાટી સાથે દુર્વ્યવહાર કર્યો અને ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો.આ સાથે ગ્રામ પંચાયત કચેરીમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી કર્મચારીની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે તાલુકાના તલાટીઓમાં ભારે રોષ ફેલાયો હોવાનું જાણવા મળે છે.તલાટી-કમ-મંત્રી મંડળે આવેદન પત્ર મારફતે બે મુખ્ય માંગણીઓ મૂકી છે, જેમાં જવાબદાર લોકો સામે કાયદેસર કાર્યવાહી તથા સરકારી કચેરીમાં અધિકારીની મંજૂરી વિના વીડિયો ઉતારવા પર પ્રતિબંધ અંગે સરકારમાં રજૂઆત કરવાની માંગ સામેલ છે. આવેદનની નકલ પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટરને મોકલી યોગ્ય કાર્યવાહી માટે અપીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.




