MORBI:મોરબીના અદેપર ગામે મચ્છુ-૦૨ ડેમ કાંઠે દેશીદારૂની ભઠ્ઠી પર ક્રાઈમ બ્રાંચનો દરોડો, 1.37 લાખનો મુદ્દામાલ કબજે







MORBI:મોરબીના અદેપર ગામે મચ્છુ-૦૨ ડેમ કાંઠે દેશીદારૂની ભઠ્ઠી પર ક્રાઈમ બ્રાંચનો દરોડો, 1.37 લાખનો મુદ્દામાલ કબજે


મોરબી તાલુકાના અદેપર ગામે મચ્છુ-૦૨ ડેમના કાંઠે ચાલતી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી પર ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી અંદાજે ₹1.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે. કાર્યવાહી દરમિયાન આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ મોરબી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી ચાલી રહી છે. તે અંતર્ગત એલ.સી.બી. મોરબી તથા પેરોલ-ફર્લો સ્કવોડને ખાનગી બાતમી મળી હતી કે અદેપર ગામનો અલ્પેશ રણછોડભાઈ કગથરા (કોળી) મચ્છુ-૦૨ ડેમના કાંઠે આવેલી પોતાની વાડી નજીક દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે.બાતમીના આધારે પોલીસ ટીમે પંચોની હાજરીમાં સ્થળ પર રેઇડ કરતા દેશીદારૂ બનાવવાનો આથો, તૈયાર દેશીદારૂ, અખાધ્ય ગોળના ડબ્બા અને અન્ય સામાન મળી આવ્યો હતો. જોકે આરોપી સ્થળ પર હાજર ન મળતા તે ફરાર હોવાનું સામે આવ્યું છે.પકડાયેલ મુદ્દામાલમાં દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો અંદાજે 2600 લીટર કિંમત ₹65,000, દેશીદારૂ અંદાજે 200 લીટર કિંમત ₹40,000, અખાધ્ય ગોળના 7 ડબ્બા કિંમત ₹7,000 તેમજ એક સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત ₹25,000 મળી કુલ ₹1,37,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ મામલે ફરાર આરોપી અલ્પેશ રણછોડભાઈ કગથરા (કોળી), રહે. અદેપર, તા. જી. મોરબી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમાં શ્રી આર.સી. ગોહિલ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.મોરબી, શ્રી બી.ડી. ભટ્ટ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, શ્રી વી.જી. મલાણી સહિત એલ.સી.બી.અને પેરોલ-ફર્લો સ્કવોડના સ્ટાફ જોડાયા હતા.




