
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
પત્રકાર મિત્રોને ખુલ્લો પત્ર:
પત્રકારત્વનું ‘કવચ’ કે ખંડણીખોરીનું ‘સાધન’? : ‘આપડું કચ્છ’ ની જનતાને જાગૃત રહેવા અપીલ
તાજેતરમાં રાજકોટમાં પત્રકારના સ્વાંગમાં શાળા સંચાલક પાસેથી ૨૫ લાખની ખંડણી માંગતા તત્વોની ધરપકડ બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચ્યો છે. આ ઘટનાના પડઘા કચ્છમાં પણ પડ્યા છે. કચ્છના એક જાગૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પત્રકારત્વના પવિત્ર વ્યવસાયને કલંકિત કરતા આવા લેભાગુ તત્વો અને સ્વયંભૂ ‘કાર્ડધારી’ પત્રકારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને જનજાગૃતિ લાવવા અપીલ કરવામાં આવે છે.
પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે પણ દુર્ભાગ્યે આજે કેટલાક ‘ચીંટી ચોર’ તત્વોએ આ સ્તંભને ખંડણી ઉઘરાવવાની ‘સીડી’ બનાવી દીધી છે. રાજકોટમાં જે રીતે ૨૫ લાખની ખંડણી માંગતા પત્રકારો ઝડપાયા તેણે સાબિત કરી દીધું છે કે હવે પત્રકારત્વના પવિત્ર વ્યવસાયમાં ‘ઉધઈ’ લાગી ગઈ છે. આ કિસ્સો માત્ર રાજકોટ પૂરતો મર્યાદિત નથી કચ્છના રણથી લઈને દરિયાના કિનારા સુધી આવા સ્વયંભૂ પત્રકારો અને આર.ટી.આઈ. એક્ટિવિસ્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે.
કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી કોઈ પણ જાતના વ્યવસાય કે ધંધા – રોજગાર વગર માત્ર હાથમાં મોબાઈલ અને ખિસ્સામાં ‘પ્રેસ’ લખેલું કાર્ડ રાખીને ફરતા તત્વોનો રાફડો ફાટી નીકળ્યો છે. આવા તત્વો સરકારી કચેરીઓ, શાળાઓ અને ચૂંટાયેલા લોક પ્રતિનિધિ/ડોક્ટર/વેપારીને બ્લેકમેલ કરીને ‘શુભેચ્છા જાહેરાત’ ના નામે આર્થિક ઉઘરાણા કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. ખરેખર તેમને પત્રકાર કહેવા એ સાચા પત્રકારોનું અપમાન છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પત્રકારના નામે ગુનો કરનારાઓ સામે જે હિંમત બતાવી છે તે કાબિલ-એ-તારીફ છે. કચ્છની જનતા અને જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે કે કચ્છ પોલીસ પણ આવા શંકાસ્પદ ‘પ્રેસ’ કાર્ડ ધારકો અને તેમના હાથા એવા આર.ટી.આઈ કાર્યકરોની આવકના સ્ત્રોત અને તેમની અચાનક વધી ગયેલી મિલકતોની તપાસ કરે. જો તટસ્થ તપાસ થાય તો અનેક ‘ચીંટી ચોર’ પત્રકારોના ચહેરા પરથી મહોરા ઉતરી જશે. અને જો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું હોય તો આવા દૂધની રખેવાડી કરનારા લોકો(બિલાડા)ના આશ્રયદાતાઓ કોણ છે? તે શોધવું પણ અનિવાર્ય બની ગયું છે.
વરિષ્ઠ અને નિષ્ઠાવાન પત્રકારો જેઓ વર્ષોથી સત્ય માટે લડી રહ્યા છે તેઓ પણ આવા અલ્પજ્ઞાની અને ઉદ્ધત તત્વોના કારણે પરેશાની અનુભવી રહ્યા છે. પત્રકારત્વ એ વેપાર નથી પણ સેવાનું માધ્યમ છે. પત્રકારીત્વના રસ્તે ચાલવું એ તલવારની ધાર ઉપર ચાલવા સમાન છે ત્યારે આવા દૂષણોને ડામવા માટે વરિષ્ઠ પત્રકારોએ પણ મેદાનમાં આવવાની જરૂર છે.
જો કોઈ પણ વ્યક્તિ પત્રકારના નામે તમારી પાસે ખંડણી માંગે કે ડરાવવાનો પ્રયાસ કરે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો અથવા કચ્છના જાગૃત ગ્રુપમાં તેની જાણ કરો. ડરવાની જરૂર નથી કારણ કે કાયદોહંમેશા સત્યના પક્ષમાં જ રહે છે. કચ્છની જનતામાં જાગૃતિ આવશે તો જ આવા “બિલાડા” દૂધ તો શું છાશ પીતા પણ સો વાર વિચાર કરશે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




