MORBI:મોરબી પીપળી ગામે લાઈટ બિલ ભરવા જેવી નજીવી બાબતે પુત્ર-પુત્રવધૂનો પિતા પર હુમલો, મકાનમાં તોડફોડ







MORBI:મોરબી પીપળી ગામે લાઈટ બિલ ભરવા જેવી નજીવી બાબતે પુત્ર-પુત્રવધૂનો પિતા પર હુમલો, મકાનમાં તોડફોડ


મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામની માનસધામ સોસાયટીમાં કૌટુંબિક ઝઘડાની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર લાઈટ બિલ ભરવા જેવી સામાન્ય બાબતનું વેર રાખી પુત્ર અને પુત્રવધૂએ પિતા સાથે ઝઘડો કરી, અન્ય એક શખ્સની મદદથી હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર, મૂળ હળવદ તાલુકાના સાપકડા ગામના વતની અને હાલ પીપળી ગામે માનસધામ સોસાયટીમાં રહેતા શીવાભાઈ ગલાભાઈ રાઠોડ (ઉ.વ. ૫૦) એ આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
શીવાભાઈએ તેમના પુત્ર જીતેન્દ્રભાઈ શીવાભાઈ રાઠોડને પોતાનું લાઈટ બિલ ભરી દેવા માટે જણાવ્યું હતું. આટલી વાતમાં ઉશ્કેરાઈ જઈને પુત્ર જીતેન્દ્ર અને પુત્રવધૂ લતાબેન જીતેન્દ્રભાઈ રાઠોડ ગાળાગાળી કરવા લાગ્યા હતા. મામલો એટલો બિચક્યો હતો કે આરોપીઓએ અન્ય એક શખ્સ મુકેશભાઈ ડાભી (રહે. લગ્ધીરપુર) ને બોલાવી હુમલો કરાવ્યો હતો.
આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરિયાદી શીવાભાઈ અને તેમની સાથેના અન્ય એક વ્યક્તિ પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, આરોપીઓએ શીવાભાઈના મકાનમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું અને તેમને જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
શીવાભાઈ રાઠોડની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે:જીતેન્દ્રભાઈ શીવાભાઈ રાઠોડ – લતાબેન જીતેન્દ્રભાઈ રાઠોડ – મુકેશભાઈ ડાભી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.




