GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

થાનગઢમાં તસ્કરોનો આતંક: તીર્થયાત્રાએ ગયેલા આર્મી જવાનના બંધ ઘરના તાળાં તૂટ્યા, રૂ. 2.37 લાખના દાગીનાની ચોરી

દૂધ મૂકવા ગયેલા પિતાએ દરવાજાના નકુચા તૂટેલા જોતા ચોરીનો પર્દાફાશ: થાનગઢ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

તા.30/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

દૂધ મૂકવા ગયેલા પિતાએ દરવાજાના નકુચા તૂટેલા જોતા ચોરીનો પર્દાફાશ: થાનગઢ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી, સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ શહેરમાં તસ્કરોએ કાયદાના શાસનને પડકાર ફેંક્યો હોય તેમ વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. સરહદ પર દેશની રક્ષા કરતા ઇન્ડિયન આર્મીના એક જવાનના બંધ ઘરને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રૂ. 2.37 લાખની મત્તાના સોના-ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ ગયા છે. જવાન પોતાના પરિવાર સાથે તીર્થયાત્રાએ ગયા હતા ત્યારે પાછળથી આ ચોરીની ઘટના બનવા પામી હતી. મળતી વિગતો અનુસાર, થાનગઢના રેલવે સ્ટેશન પાછળ આવેલા પરશુરામ બ્લોકમાં રહેતા ૩૭ વર્ષીય નીતિનકુમાર મુકુંદરાય રાઠોડ ઇન્ડિયન આર્મીમાં છેલ્લા ૧૫ વર્ષથી રાયફલમેન તરીકે ફરજ બજાવે છે અને હાલ તેઓ જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ પુંછ સેક્ટરમાં તૈનાત છે. નીતિનકુમાર એક મહિનાની રજા મેળવીને પોતાના વતન થાનગઢ આવ્યા હતા. રજા દરમિયાન તેઓ પત્ની, બાળકો તેમજ સાસુ-સસરા સાથે ટ્રેન મારફતે દક્ષિણ ભારતના પ્રખ્યાત તીર્થધામ તિરુપતિ અને રામેશ્વરમ દર્શન કરવા માટે ગયા હતા. નીતિનકુમાર બહારગામ ગયા હોવાથી તેમના પિતા મુકુંદરાય દરરોજ ઘરની દેખરેખ રાખવા માટે આવતા- જતા હતા. દૂધ આપવા ગયેલા પિતાને ચોરીની જાણ થઈ તીર્થયાત્રા પૂર્ણ કરી પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે નીતિનકુમારે પોતાના પિતા મુકુંદરાયને ફોન કરીને ઘરે દૂધ મૂકી આવવા જણાવ્યું હતું. આથી પિતા જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાના નકુચા અને તાળાં તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. અંદર પ્રવેશતા ઘરનો તમામ સામાન અસ્તવ્યસ્ત વેખરાયેલો પડ્યો હતો, જેથી તેમણે તુરંત જ નીતિનકુમારને આ અંગે જાણ કરી હતી. નીતિનકુમાર વતન પહોંચીને તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, રાત્રિના અંધારાનો લાભ લઈ ઘુસેલા તસ્કરો તિજોરી કે કબાટમાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેન, પેન્ડલ સાથેની ચેન, કાનની બુટી અને ચાંદીના છડા મળી કુલ રૂ. ૨,૩૭,૦૦૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે નીતિનકુમાર રાઠોડે થાનગઢ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એમ.ટી. ગઢવીને સોંપી છે. અબજોડ અને રહેણાંક વિસ્તારમાં બનેલી આ ચોરીના પગલે સ્થાનિક રહીશોમાં ભય અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને તસ્કરોનું સુરાગ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!