AHAVADANG

ડાંગમાં પાણી માટે હાહાકાર: ઝરી ગામના લોકો નદીના કોતરોમાં ખાડા ખોદી પાણી મેળવવા મજબૂર

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ‘નલ સે જલ’ યોજનાના દાવા પોકળ સાબિત થયાં છે.મહિલાઓ અને બાળકોને માથા પર બેડા લઈ કિલોમીટર સુધી પાણી માટે ભટકવું પડે છે

ડાંગમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે. ગુજરાતના ‘ચેરાપુંજી’ તરીકે ઓળખાતા આ આદિવાસી જિલ્લામાં વરસાદી ઋતુ દરમિયાન કુદરતી સંપત્તિ ભરપૂર હોવા છતાં ઉનાળામાં અનેક ગામોમાં પાણી માટે હાહાકાર મચી રહ્યો છે. ખાસ કરીને ઝરી ગામના ગ્રામજનો હાલ પીવાના પાણી માટે ભારે સંકટનો સામનો કરી રહ્યા છે.

સરકાર દ્વારા “નલ સે જલ” જેવી યોજનાઓના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ ઝરી ગામની હાલત આ દાવાઓની હકીકત ઉજાગર કરી રહી છે. ગામમાં નળ દ્વારા મળતો પાણી પુરવઠો અનિયમિત અને અત્યંત અપૂરતો હોવાના કારણે ગ્રામજનોને પાણી માટે જંગલ વિસ્તારમાં આવેલી નદીઓ અને કોતરોનો સહારો લેવો પડી રહ્યો છે. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે લોકો નદીના કોતરોમાં ખાડા ખોદી પાણી એકત્ર કરી રહ્યા છે.

ગામમાં મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકો માથા પર બેડા લઈને લાંબા અંતર સુધી પાણી લેવા જતા દ્રશ્યો રોજિંદા બની ગયા છે. અનેક પરિવારોને દિવસનો મોટો સમય માત્ર પાણી મેળવવામાં જ વીતાવવો પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નદી અને કોતરામાંથી મળતું પાણી ગંદુ અને દૂષિત હોય છે, જેના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય પણ વધ્યો છે. છતાં અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી ગ્રામજનો એ જ પાણી પીવા અને ઘરગથ્થુ ઉપયોગમાં લેવા મજબૂર બન્યા છે.

ગ્રામજનોમાં સરકાર અને સ્થાનિક તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે દર વર્ષે ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યા ગંભીર બને છે, છતાં કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક આયોજન હાથ ધરાતું નથી. કરોડો રૂપિયાની યોજનાઓ અને વિકાસના દાવાઓ વચ્ચે આદિવાસી વિસ્તારોના લોકો આજે પણ પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે સંઘર્ષ કરી રહ્યા છે.

સ્થાનિક લોકોએ જિલ્લા પ્રશાસન અને પાણી પુરવઠા વિભાગ સમક્ષ ઝરી ગામમાં નિયમિત અને શુદ્ધ પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો ઉનાળો વધતા સ્થિતિ વધુ વિકટ બની શકે છે.

હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે અને ઝરી ગામના લોકોને પાણી માટે નદી અને કોતરો તરફ ભટકવાની નોબતમાંથી ક્યારે મુક્તિ અપાવે છે.

Back to top button
error: Content is protected !!