GUJARAT

દેથળી–મોરીખા રોડનું “રીનોવેશન” કે ભ્રષ્ટાચારનું કમિશન ? બે દિવસમાં જ ઉખડ્યો ડામર, લોકોમાં ઉકળાટ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકા હેઠળ આવેલ દેથળી થી મોરીખા ગામ વચ્ચેનો સિંગલ પટ્ટીનો ડામર રોડ છેલ્લા અંદાજે બે વર્ષથી અત્યંત ખરાબ હાલતમાં હતો. હાલ માર્ગ ઉપર રીપેરિંગ તથા નવો ડામર પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગામલોકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે અને સમગ્ર કામગીરી માત્ર દેખાવ પૂરતી કરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ જૂનો ડામર યોગ્ય રીતે તોડ્યા વગર જ તેના ઉપર નવો ડામર પાથરી દેવામાં આવ્યો છે. પરિણામે કામ પૂર્ણ થયાના માત્ર બે જ દિવસમાં અનેક જગ્યાએ નવો ડામર ઉખડી જવા લાગ્યો છે. જ્યાં રોડ દબાઈ ગયો હતો અથવા ખાડા પડેલા હતા ત્યાં યોગ્ય લેવલિંગ કર્યા વગર સીધો ડામર પાથરાતા માર્ગ ઊંચો-નીચો બની ગયો છે. હાલ એવી સ્થિતિ સર્જાઈ છે કે ૨૫ કિ.મી. પ્રતિ કલાકથી વધુ ઝડપે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે અને અકસ્માતનો સતત ભય યથાવત્ છે.

ગામલોકોનો આક્ષેપ છે કે માર્ગની બંને બાજુ જંગલ કટીંગ અથવા સાઈડ સફાઈનું કોઈ કામ કરવામાં આવ્યું નથી. ઉપરાંત માર્ગ ઉપર દિશાસૂચક બોર્ડ, ચેતવણી બોર્ડ કે રિફ્લેક્ટર જેવી સુરક્ષા સુવિધાઓનો પણ સંપૂર્ણ અભાવ જોવા મળે છે. રોડની બાજુમાં માટીકામ ન થતાં મોટા ખાડા સર્જાયા છે, જે ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

મોરીખા ગામ નજીક દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા હોવા છતાં રોડ ઊંચો કરવાની જરૂરી કામગીરી પણ કરવામાં આવી નથી. જેના કારણે દર વર્ષે વરસાદી સીઝનમાં માર્ગ બંધ થવાની સ્થિતિ સર્જાય છે અને અનેક ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

દેથળી તરફ અંદાજે એક કિલોમીટર જેટલા રોડ ઉપર તો કોઈ કામગીરી જ કરવામાં આવી નથી. મહત્વપૂર્ણ વાત એ છે કે આ માર્ગ જિલ્લા મુખ્ય મથક સાથે જોડતો મુખ્ય સંપર્ક માર્ગ છે. દરરોજ અંદાજે ૫ થી ૬ હજાર લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે તેમજ સરકારી અને ખાનગી મળી ૧૦ થી વધુ બસો અહીંથી પસાર થાય છે. આશરે ૨૦ જેટલા ગામોના લોકો માટે આ જીવનદોરી સમાન માર્ગ હોવાથી તેની હાલત સમગ્ર વિસ્તાર માટે ગંભીર સમસ્યા બની ગઈ છે.

ગામલોકોએ ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે થયેલ કામગીરીની ગુણવત્તા ચકાસવા તેમજ જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ દેથળી – મોરીખા માર્ગને પહોળો, મજબૂત અને ગુણવત્તાસભર બનાવી જરૂરી માટીકામ, જંગલ કટીંગ, દિશાસૂચક બોર્ડ, પાણી નિકાલ અને સુરક્ષા સુવિધાઓ સાથે નવા ધોરણે બનાવવા માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!