KUTCHMUNDRA

મુંદરા મામલતદાર કચેરીમાં છાંયડો-છાશની ઉત્તમ વ્યવસ્થા, પણ માર્ગદર્શન અને ટોકન પદ્ધતિના અભાવે વિદ્યાર્થીઓ-વાલીઓ પરેશાન!

સરકારી યોજનાઓ માટે "મે આઈ હેલ્પ યુ" કાઉન્ટર શરૂ કરવા અને ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઊભી કરવા પ્રબળ લોક માંગ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુંદરા મામલતદાર કચેરીમાં છાંયડો-છાશની ઉત્તમ વ્યવસ્થા, પણ માર્ગદર્શન અને ટોકન પદ્ધતિના અભાવે વિદ્યાર્થીઓ-વાલીઓ પરેશાન!

 

સરકારી યોજનાઓ માટે “મે આઈ હેલ્પ યુ” કાઉન્ટર શરૂ કરવા અને ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઊભી કરવા પ્રબળ લોક માંગ

 

મુંદરા, તા. 17:

હાલ વેકેશનના ગાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના પરિણામો બાદ આઈ.ટી.આઈ., ડિપ્લોમા, કોલેજ એડમિશન અને સરકારી ભરતીઓ માટે વિવિધ દાખલાઓ (જાતિ, આવક, નોન-ક્રીમીલેયર, EWS વગેરે) કઢાવવા માટે મુન્દ્રા મામલતદાર કચેરી ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા ચાર-પાંચ દિવસથી કચેરી તંત્ર દ્વારા અરજદારો માટે છાંયડો, છાશ અને ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જે ખરેખર પ્રશંસનીય અને અભિનંદનને પાત્ર છે. પરંતુ આ ભૌતિક સુવિધાઓ વચ્ચે યોગ્ય વહીવટી સંકલન અને માર્ગદર્શનના અભાવે ગ્રામીણ વિસ્તારના અભણ, સામાન્ય અને બિનઅનુભવી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

 

કચેરીમાં જન સેવા કેન્દ્રની બારી પર કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ જ્યારે અરજદારનો વારો આવે ત્યારે માત્ર ફોર્મ નંબર કે અંદરની વિગતમાં નાની ભૂલ હોવાને કારણે અરજી સ્વીકારવામાં આવતી નથી. બેંકો કે ખાનગી કંપનીઓની જેમ જો મુખ્ય ગેટ અથવા જન સેવા કેન્દ્રની બહાર એક જવાબદાર કર્મચારીને “હું આપને શું મદદ કરી શકું?” (May I Help You?) ના બોર્ડ સાથે ટેબલ-ખુરશી આપીને બેસાડવામાં આવે તો અરજદારો લાઈનમાં ઊભા રહેતાં પહેલાં જ ફોર્મની ચકાસણી કરાવી શકે. માર્ગદર્શનના અભાવે ભલભલા ભણેલા લોકો પણ ગરમીમાં ગોથાં ખાઈ રહ્યા છે ત્યારે દીકરીઓ અને માતાઓની મૂંગી વેદના જોઈ ખરેખર દુઃખની લાગણી થાય છે.

 

રૂા. ૩ ની ટિકિટ માટે રૂા. ૫૦ નો રિક્ષાખર્ચ: દીવા તળે અંધારું !?!

 

અરજી ફોર્મ પર માત્ર ૩ રૂપિયાની સરકારી સ્ટેમ્પ (ટિકિટ) લગાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. આ ટિકિટ લેવા માટે ધોમધખતા તાપમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ૧ કિલોમીટર દૂર વકીલો પાસે જવું પડે છે અથવા ૩ રૂપિયાની ટિકિટ માટે ૩૦ થી ૫૦ રૂપિયાનું રિક્ષાભાડું ખર્ચવું પડે છે. આજે નાનામાં નાનો શાકભાજીવાળો કે ચા-વાળો પણ ઓનલાઈન પેમેન્ટ (QR Code) સ્વીકારે છે ત્યારે તાલુકાના સર્વોચ્ચ અને મેજિસ્ટ્રેટ ગણાતા ખુદ મામલતદારની કચેરીમાં જ ઓનલાઈન પેમેન્ટ કે બારી પર જ ટિકિટના રોકડા પૈસા લેવાની કોઈ સુવિધા નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સ્વપ્ન “ડિજિટલ ઇન્ડિયા”ના યુગમાં સરકારી કચેરીમાં જ આવી સુવિધા ન હોવી તે ‘દીવા તળે અંધારું’ સાબિત કરે છે.

તંત્ર દ્વારા બેસવા માટે બાંકડા અને છાંયડાની વ્યવસ્થા કરાઈ છે પરંતુ લોકો પોતાનો વારો ચૂકી ન જાય તેવા ડરથી બારી પાસે ભીડ કરીને લાઈનમાં ઊભા રહેવા મજબૂર બને છે. જો અહીં ટોકન પદ્ધતિ શરૂ કરવામાં આવે અને અરજી સ્વીકારીને વારા પ્રમાણે નામ જોગ જાહેરાત કરવામાં આવે તો જ વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામુક્ત થઈને છાંયડામાં બેસી શકે અને દાતાઓની સેવાનો સાચો ઉદ્દેશ સાર્થક થાય. બાકી વહીવટી શિથિલતાને કારણે એક સામાન્ય દાખલા માટે સવારથી સાંજ થઈ જતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.

 

સેલ્ફ-ડિકલેરેશનના યુગમાં ₹૫૦ ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામાનો આગ્રહ કેટલો વ્યાજબી?

 

ગુજરાત સરકાર દ્વારા ચૂંટણી જેવી મોટી પ્રક્રિયાઓ અને અન્ય વહીવટી કામોમાં પણ સાદા ફોર્મ પર માત્ર ‘સ્વ-ઘોષણાપત્ર’ (Self-Declaration) સ્વીકારવાના સ્પષ્ટ આદેશો કરાયા છે. આમ છતાં હજુ પણ વિદ્યાર્થીઓ પાસે ૫૦ ના સ્ટેમ્પ પેપર પર ફરજિયાત સોગંદનામું કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. બપોરના સમયે વકીલો પણ ભોજન માટે ગયા હોય ત્યારે વિદ્યાર્થીઓ અટવાઈ પડે છે. અગાઉ આ સોગંદનામા માટે ૧૫૦ થી ૨૦૦ નો ચાર્જ લેવાતો હતો ત્યારે મુંદરાના એડવોકેટ હરદાસભાઈ પુનશી ગીલવા દ્વારા વિદ્યાર્થીઓ માટે આ તમામ કામગીરી તદ્દન વિનામૂલ્યે (ફ્રી) કરી આપવાની જાહેરાત કરાઈ છે જે “રણમાં વીરડી” સમાન અને આવકારદાયક છે.

પરંતુ સવાલ એ ઉઠે છે કે યુવાનીમાં પગ માંડતા જ વિદ્યાર્થીઓને વહીવટી તંત્રના આવા અણઘડ વહીવટનો સામનો કરવો પડે તેનાથી તેમના મનમાં સરકાર પ્રત્યે નકારાત્મક છાપ ઊભી થાય છે. સ્થાનિક કચેરીના એસી રૂમમાં બેસતા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીઓ આ બાબતે ગંભીરતા દાખવી તુરંત વ્યવસ્થા સુધારે તેવી લોકમાંગ પ્રબળ બની છે. કચ્છના નવનિયુક્ત કલેકટર અનિલકુમાર આ બાબતે પ્રકાશ પાડી કચ્છની તમામ કચેરીઓમાં યોગ્ય વ્યવસ્થા ઉભી કરે એવી લોકો મીટ માંડીને બેઠા છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!