
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ
ભુજ,તા-૧૫ જુલાઈ : કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે સ્થાનિક સ્તરે ત્વરિત કમાન્ડ અને પ્રતિક્રિયા આપવાના ઉમદા આશયથી કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત દિવસીય વિશેષ “યુવા આપદામિત્ર સ્કીમ” (YAMS) તાલીમ શિબિરનું આયોજન માધાપર યક્ષ મંદિર ખાતે કરવામાં આવ્યું છે. જે હેઠળ યુવાનોને ૨૦ જુલાઇ સુધી બેઝિકથી એડવાન્સ કક્ષાનું પ્રશિક્ષણ અપાશે.કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી- કચ્છ અને ‘સ્પીપા’ રાજકોટ(SPIPA) ના સંયુક્ત સંકલનથી સાત દિવસીય આપત્તિ વ્યવસ્થાપનની તાલીમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિશેષ કેમ્પમાં એન.એસ.એસ. (NSS) ના કચ્છની વિવિધ કોલેજના ૧૦૨ ઉત્સાહી તાલીમાર્થીઓને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના અનુભવી પોલીસ જવાનો દ્વારા બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધીની બચાવ અને રાહત કામગીરીનું સઘન પ્રશિક્ષણ આપવામાં આવશે.આ તાલીમ દરમિયાન યુવાનો આપત્તિના સમયે વહીવટી તંત્રની વાસ્તવિક ફિલ્ડ કામગીરીથી પરિચિત થાય તે માટે પ્રેક્ટિકલ સેશન સાથે અલગ અલગ વિષયો પર ત્વરિત લાઈવ રેસ્ક્યૂ ઓપરેશનની સમજ આપવામાં આવશે.આ તાલીમ કાર્યક્રમ ઉદ્ઘાટન પ્રસંગે ડીઝાસ્ટર મામલતદારશ્રી પી.કે.ચૌધરી, સ્પીપાના નાયબ સેક્શન અધિકારીશ્રી હીનલબેન કુવાડીયા, ડીઝાસ્ટર શાખા ડીપીઓશ્રી નિરવસિંહ નાડોડા, એનડીઆરએફના ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન.પરીખ, યક્ષ મંદિર મેનેજરશ્રી હિતેશ ગજ્જર સહિત એનએસએસ તાલીમાર્થી વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





