AHAVADANG

સાપુતારામાં દીપડાની હલચલથી ભયનો માહોલ, CCTV વીડિયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના પ્રખ્યાત ગિરીમથક સાપુતારામાં ફરી એકવાર દીપડાની હલચલ સામે આવતા સ્થાનિકો તેમજ પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.રહેણાંક વિસ્તાર નજીક રાત્રિના સમયે શિકારની શોધમાં નીકળેલો દીપડો CCTV કેમેરામાં કેદ થયો હતો.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પ્રવાસીઓ સહીત સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.મળતી માહિતી અનુસાર,ગિરિમથક સાપુતારાના કેટલાક રહેણાંક વિસ્તારો તેમજ હોટલોની આસપાસ દીપડો નિર્ભય રીતે ફરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવર વધતા સ્થાનિક લોકો રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.ખાસ કરીને પ્રવાસન સ્થળ હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચિંતાનો માહોલ વધુ ગાઢ બન્યો છે.દીપડાની હલચલને લઈને સાપુતારાના હોટલ સંચાલકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.સાપુતારા હોટેલ એસોસિએશન દ્વારા દીપડાને પાંજરે પુરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હોટલ સંચાલકોનું કહેવું છે કે જો દીપડાનો આતંક યથાવત રહેશે તો તેની સીધી અસર પ્રવાસન વ્યવસાય પર પડી શકે છે.આ સમગ્ર મામલે ડાંગ દક્ષિણ વન વિભાગ હેઠળની શામગહાન રેન્જ દ્વારા દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે.શામગહાન વન વિભાગની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે તેમજ જરૂરી સ્થળોએ પાંજરા મુકવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.દક્ષિણ વન વિભાગ ડાંગ દ્વારા સ્થાનિકોને સતર્ક રહેવા, રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા તેમજ દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે..

Back to top button
error: Content is protected !!