AHAVADANG

નવસારીમાં ACB ની સફળ ડીકોય કાર્યવાહી : સ્ટેમ્પ પેપર પર પ્રિન્ટ કરતા વધુ રૂપિયા વસૂલતા દંપતી ઝડપાયું

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

પેટા :કાયદેસરના દર કરતાં વધુ રૂપિયા પડાવવાના મામલે નવસારી એ.સી.બી.નો કડક પ્રહાર, ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ

નવસારી જિલ્લામાં સ્ટેમ્પ પેપરના કાયદેસરના દર કરતાં વધુ રૂપિયા વસૂલતા લોકો સામે એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા સફળ ડીકોય કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ જિલ્લામાં લોભિયા અને ભ્રષ્ટ તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, તા. ૧૬/૦૫/૨૦૨૫ના રોજ નવસારી શહેરના ડીસ્ટ્રીક્ટ કોર્ટ સામે આવેલ ચાણક્ય એપાર્ટમેન્ટ ખાતે ચાલતા સી.એસ.સી. સેન્ટરમાં સ્ટેમ્પ પેપર વેચાણ દરમિયાન ગ્રાહકો પાસેથી કાયદેસર કિંમત કરતાં વધુ રૂપિયા લેવામાં આવતા હોવાની આધારભૂત માહિતી એ.સી.બી.ને મળી હતી. માહિતીની ખરાઈ કરવા નવસારી એ.સી.બી. દ્વારા ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કામગીરી દરમિયાન એક જાગૃત નાગરિકે સહકાર આપતાં પાવર ઓફ એટર્ની, સોગંદનામું અને ભાડા કરાર માટે કુલ રૂ.૧૦૫૦ના સ્ટેમ્પ પેપર ખરીદ્યા હતા. જેમાં રૂ.૫૦, રૂ.૩૦૦ અને રૂ.૭૦૦ના સ્ટેમ્પનો સમાવેશ થતો હતો. જોકે આરોપી દ્વારા કાયદેસર કિંમત કરતાં રૂ.૯૦ વધુ લઇ કુલ રૂ.૧૧૪૦ વસૂલવામાં આવ્યા હતા.

એ.સી.બી. તપાસમાં સામે આવ્યું કે રૂ.૫૦ના સ્ટેમ્પ પર રૂ.૧૦, રૂ.૩૦૦ના સ્ટેમ્પ પર રૂ.૩૦ તથા રૂ.૭૦૦ના સ્ટેમ્પ પર રૂ.૫૦ વધારાના લેવામાં આવ્યા હતા. આ મામલે આરોપી તરીકે કરીશ્માબેન વાઇફ ઓફ તુકારામભાઇ મધુકરભાઇ કાનકાંટે તથા તુકારામભાઇ મધુકરભાઇ કાનકાંટે, રહે. નવસારી વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

તપાસમાં વધુમાં ખુલ્યું કે આરોપી નં.૨એ પોતાના નામનું સી.એસ.સી. લાયસન્સ પત્નીને ચલાવવા આપી તેમજ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સનો દુરુપયોગ કર્યો હતો.

આ સમગ્ર ડીકોય કાર્યવાહી નવસારી એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કામગીરીમાં એ.સી.બી.ની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જ્યારે સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન મદદનીશ નિયામક શ્રી બી.એમ. પટેલ (I/c એ.સી.બી. સુરત એકમ) દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ઇન્ચાર્જ અધિકારી તરીકે નાયબ નિયામક હરેશ મેવાડા માર્ગદર્શન આપી રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!