વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિતે દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાંડા ખાતે જનજાગૃતિ રેલી યોજાઈ

તા.૧૮.૦૫.
૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિતે દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાંડા ખાતે જનજાગૃતિ રેલી યોજાઈ
વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાંડા ખાતે ડેન્ગ્યુ તેમજ અન્ય મચ્છરજન્ય રોગો અંગે જનજાગૃતિ લાવવા હેતુસર વિશાળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આ રેલીમાં આરોગ્ય કર્મચારીઓ, આશા કાર્યકરો તથા સ્ટાફે ઉત્સાહભેર ભાગ લઈ ગ્રામજનોને આરોગ્ય પ્રત્યે જાગૃત કર્યા હતા.આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા મેલેરિયા અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાંડા ના મેડિકલ ઓફિસરશ્રીના નેતૃત્વમાં યોજાયો હતો. રેલી દરમિયાન PHC ટાંડા તેમજ તેના હેઠળના તમામ સબ સેન્ટરના આરોગ્ય કર્મચારીઓએ ગામમાં ફરી લોકો સુધી ડેન્ગ્યુથી બચાવના સંદેશો પહોંચાડ્યા હતા.રેલી દરમિયાન ગ્રામજનોને આસપાસ સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ રહે તેવા સ્થળોને દૂર કરવા, કૂલર, પાણીની ટાંકી, જૂના ટાયર, ડબ્બા તથા અન્ય વાસણોમાં પાણી એકત્ર ન રહે તેની ખાસ કાળજી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ મચ્છરજન્ય રોગોથી બચવા ઘરમાં અને આસપાસ સ્વચ્છ વાતાવરણ જાળવવાની સમજણ આપવામાં આવી હતી.જનજાગૃતિ માટે રેલી દરમિયાન “સ્વચ્છતા રાખો – ડેન્ગ્યુ ભગાવો”, “પાણી નહીં ભરાય – મચ્છર નહીં પેદા થાય” અને “સ્વસ્થ ગામ – સુરક્ષિત પરિવાર” જેવા સૂત્રોચ્ચાર દ્વારા લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા.આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે તાવ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો અથવા ડેન્ગ્યુ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ અને સારવાર લેવી જોઈએ.અંતે આરોગ્ય વિભાગ દ્વારા “સ્વચ્છતા અપનાવો અને ડેન્ગ્યુ મુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનો” એવો સંદેશ આપવામાં આવ્યો હતો.





