હાલોલ:રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સાદગીની સફર,રાજ્યપાલશ્રી સાઇકલ ચલાવી યુનિવર્સિટીના કાર્યક્રમમાં પહોંચ્યા
રાજ્યપાલશ્રીએ અમદાવાદથી વડોદરા સુધી ટ્રેન, વડોદરાથી હાલોલ સુધી એસ.ટી. બસમાં મુસાફરી કરી,જ્યા સુધી ઇંધણનું સંકટ સમાપ્ત ન થાય, ત્યાં સુધી ગુજરાતમા કોઇ પણ હવાઇયાત્રા કરીશ નહીં-રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૫.૨૦૨૬
રાજ્યપાલશ્રીએ અમદાવાદથી વડોદરા સુધી ટ્રેન, વડોદરાથી હાલોલ સુધી એસ.ટી. બસમાં મુસાફરી કરી,જ્યા સુધી ઇંધણનું સંકટ સમાપ્ત ન થાય, ત્યાં સુધી ગુજરાતમા કોઇ પણ હવાઇયાત્રા કરીશ નહીં-રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી.પંચમહાલ જિલ્લાના બે દિવસીય પ્રવાસ અર્થે હાલોલ પહોંચવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સામાન્ય નાગરિકની જેમ આજે અમદાવાદ રેલવે સ્ટેશનથી વડોદરા સુધી ટ્રેન તથા વડોદરાથી હાલોલ સુધી એસ.ટી. બસમાં મુસાફરી કરી હતી. ત્યારબાદ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં સાઇકલ ચલાવીને પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી.કે. ટીંબડિયા તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાયા હતા.આ તકે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી દેશમાં પેટ્રોલિયમની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રાજ્યના પ્રવાસો માટે હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીને બદલે ટ્રેન, એસ.ટી. બસ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો મેં નિર્ણય લીધો છે.રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ પોતાની યુનિવર્સિટીમાં સપ્તાહમાં ઓછામાં ઓછો એક દિવસ ‘કમ્બશન એન્જિન મુક્ત’ દિવસ તરીકે ઉજવે. તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પેટ્રોલ-ડીઝલ વાહનોને બદલે સાયકલ, ઇલેક્ટ્રિક વાહન અથવા જાહેર પરિવહનને પ્રાથમિકતા આપે.જે અન્વયે આજે હું બસ સ્ટોપથી સાયકલ ચલાવીને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં પહોંચ્યો છું.રાજ્યપાલશ્રીએ નાગરિકોને પણ જાહેર પરિવહન સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ પ્રધાનમંત્રીના ઇંધણ બચતના આહવાનમાં સહભાગી થવા અપીલ કરી હતી.













