MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના આક્ષેપ: ૪૨ ડિગ્રી કાળઝાળ ગરમીમાં દર્દીઓ અને સગાઓ પરેશાન







MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના આક્ષેપ: ૪૨ ડિગ્રી કાળઝાળ ગરમીમાં દર્દીઓ અને સગાઓ પરેશાન


રૂમ નં. ૨૦માં ડોક્ટર ગેરહાજર હોવાનો આક્ષેપ, દવાબારી અને PM-JAY કાઉન્ટર પણ બંધ મળ્યા
વારંવારની રજૂઆતો છતાં RMO દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા દર્દીઓમાં ભારે રોષ
રિપોર્ટર: મહસીન શેખ

મોરબીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાઓ અને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે. હોસ્પિટલ તંત્રની લાપરવાહીને કારણે દર્દીઓ અને તેમના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવા છતાં હોસ્પિટલ પ્રશાસનના પેટનું પાણી હલતું નથી, જેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આજે તારીખ ૧૯/૦૫/૨૦૨૬, મંગળવારના રોજ હોસ્પિટલના રૂમ નં. ૨૦માં ફરજ પરના ડોક્ટર ગેરહાજર હોવાનું દર્દીઓના ધ્યાને આવ્યું હતું. જ્યારે દર્દીઓ અને તેમના પરિવારજનોએ આ અંગે હાજર સ્ટાફને પૂછપરછ કરી, ત્યારે તેમને કોઈ યોગ્ય કે સંતોષકારક જવાબ મળ્યો ન હતો.
આ ઉપરાંત, હોસ્પિટલના રૂમ નં. ૨૧માં આવેલી દવાબારી તેમજ સરકારની મહત્વકાંક્ષી યોજના એવી PM-JAY (આયુષ્માન કાર્ડ) બનાવવાનું કાઉન્ટર પણ બંધ હાલતમાં જોવા મળ્યું હતું. દૂર-દૂરથી આવેલા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ કાર્ડ કઢાવવા અને દવા લેવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ નિરાશ થયા હતા.

સૂત્રો અને દર્દીઓના સગાઓના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં સ્ટાફની આવી ગેરહાજરી કોઈ નવી વાત નથી, આ પ્રકારની લાપરવાહી અવારનવાર જોવા મળે છે. આ અંગે જ્યારે હોસ્પિટલના આર.એમ.ઓ. (RMO) નો સંપર્ક કરવામાં આવે છે, ત્યારે તેમના તરફથી પણ કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. દર્દીઓને એક વિભાગમાંથી બીજા વિભાગમાં ધકેલીને માત્ર સમય બગાડવામાં આવતો હોવાનો આક્ષેપ પણ પરિવાજનોએ લગાવ્યો છે.
હાલમાં મોરબીમાં ૪૨ ડિગ્રી જેટલું કાળઝાળ તાપમાન પડી રહ્યું છે. આવી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે બીમાર દર્દીઓ અને તેમના વૃદ્ધ સગાઓને હોસ્પિટલના ધક્કા ખાવા પડી રહ્યા છે. પીવાના પાણી અને બેસવાની યોગ્ય સુવિધા વચ્ચે આવી વહીવટી અરાજકતા દર્દીઓની મુશ્કેલીમાં બમણો વધારો કરી રહી છે.

રૂમ નં. ૨૦ ફરજ પરના ડોક્ટર ગેરહાજર સારવાર વિના દર્દીઓ અટવાયા
રૂમ નં. ૨૧ (દવાબારી) બારી બંધ હાલતમાં મળી દર્દીઓ દવાઓથી વંચિત રહ્યા
PM-JAY કાઉન્ટર કાઉન્ટર બંધ કાર્ડ ન બનતા સરકારી લાભ અટક્યા
RMO ઓફિસ સંતોષકારક જવાબનો અભાવ દર્દીઓને એકથી બીજા વિભાગમાં ધક્કા

હવે જોવાનું એ રહે છે કે, મીડિયામાં અહેવાલ આવ્યા બાદ હોસ્પિટલના ઉચ્ચ જવાબદાર અધિકારીઓ જાગશે ખરા? રૂમ નં. ૨૦ના ગેરહાજર ડોક્ટર, દવાબારીના સ્ટાફ અને PM-JAY કાઉન્ટરના સંચાલકો સામે કોઈ શિક્ષાત્મક કે કડક પગલાં લેવામાં આવશે કે પછી દર વખતની જેમ મામલો થાળે પાડી દેવાશે? તેવા સવાલો સ્થાનિક જનતા પૂછી રહી છે.




