હાલોલ:ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૫.૨૦૨૬
હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી અને ગુજરાત એસોસિએશન ફોર એગ્રીકલ્ચરલ સાયન્સીસના સંયુક્ત ઉપક્રમે આજ રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને “પ્રાકૃતિક ખેતી અને કિસાન ઉત્પાદન સંગઠન” વિષય પર પરિસંવાદ યોજાયો હતો.આ પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં વધુ ઉત્પાદનની લાલચમાં ઝેરી યુરિયા, ડીએપી તથા જંતુનાશકોનો ખેતીમાં બેફામ ઉપયોગ કરાઈ રહ્યો છે, જેના કારણે જીવલેણ બીમારીઓ વધી રહી છે. ટૂંકા સમયના ફાયદા માટે આપણે પર્યાવરણ અને માનવજાતને નુકસાન પહોંચાડીને અપરાધ કરી રહ્યા છીએ. આ રાસાયણિક ખેતીથી ધરતી પથ્થર સમાન બની ગઈ છે, હવામાં ઝેરી તત્વો ભળવાની સાથે ભૂગર્ભ જળ પણ દૂષિત બન્યાં છે. આમ, સમગ્ર પર્યાવરણ અને માનવજાત સામે મોટું સંકટ ઊભું થયું છે. ત્યારે ધરતીપુત્રોએ જીવન લેનાર નહીં, પરંતુ ખરા અર્થમાં જીવનદાતા બનીને આ પાપમાંથી મુક્ત થવા કમર કસવી જોઈએ. સમગ્ર સમાજ અને પોતાના પરિવારના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ.પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું હોવાનો ભય ભ્રામક હોવાનું જણાવીને રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ ઝીરો બજેટ ખેતી છે. સમય સાથે ઉત્પાદન વધવા ઉપરાંત જમીન ફળદ્રુપ થાય છે તેમજ ઓછા પાણીએ ખેતી કરવી શક્ય બને છે. તેમણે પ્રાકૃતિક ખેતી માટે અળસિયાં તેમજ સૂક્ષ્મ જીવાણુઓની જરૂરિયાત તથા જીવામૃત અને ઘનજીવામૃત અંગે માહિતી આપતાં ગાય આધારિત ખેતી કરવા પર ભાર મૂક્યો હતો.રાસાયણિક ખેતીના કારણે આજે દેશનું ધન વિદેશમાં ચાલ્યું જતું હોવાનું જણાવીને રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનમાં સહભાગી બનવા હાકલ કરી હતી. રાજ્યપાલશ્રીએ પંચમહાલ જિલ્લાના ખેડૂતોને શરૂઆતમાં પોતાની જમીનના માત્ર એક ભાગથી પ્રયોગાત્મક ધોરણે પ્રાકૃતિક ખેતી શરૂ કરવા સંકલ્પબદ્ધ થઈને દર વર્ષે તેમાં વધારો કરવા આહવાન કર્યું હતું. તેમણે રાસાયણિક ખેતીની વિનાશકારી અસરો અંગેના કેટલાક સંશોધનોનો ઉલ્લેખ કરીને માતાઓના દૂધમાં પણ યુરિયા અને જંતુનાશકો મળી આવ્યા હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.આવનારી પેઢીને જીવલેણ બીમારીઓનો શિકાર બનતી અટકાવવા પ્રાકૃતિક ખેતીના વિકલ્પને અપનાવવા પર ભાર મૂક્યો હતો.રાજ્યપાલશ્રીએ હરિયાણાના ગુરુકુલ, કુરુક્ષેત્રની જમીનમાં પ્રાકૃતિક ખેતીના સફળ પરિણામો તથા હિમાચલ પ્રદેશમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ જોવા મળેલા અભૂતપૂર્વ પરિણામોનો ઉલ્લેખ કર્યો હતો. ખેડૂતો તથા કૃષિ વૈજ્ઞાનિકોને કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક વગર કઈ રીતે સફળ પ્રાકૃતિક ખેતી કરી શકાય છે, તે અંગે તેમણે વિગતવાર માહિતી આપી હતી.દેશી ગાયના મહત્વ પર ભાર મૂકતાં રાજ્યપાલશ્રીએ ગાયને ખેતી માટે વરદાનરૂપ ગણાવીને તેનું ગોબર અને ગૌમૂત્ર પ્રાકૃતિક ખેતી માટે અમૃત સમાન હોવાનું જણાવ્યું હતું. દૂધના માધ્યમથી આવક વધારવા માટે ખેડૂતોને ઉન્નત ઓલાદની ગાય રાખવા તથા આધુનિક ટેક્નોલોજીની મદદથી બ્રીડિંગ કરવા જણાવ્યું હતું.આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જિલ્લા કલેક્ટર અજય દહિયાના અમરેલી કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રાકૃતિક કૃષિમાં કરેલા સરાહનીય કાર્ય તથા પંચમહાલ જિલ્લામાં થઈ રહેલા પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રના કાર્યોને બિરદાવ્યા હતા.આ તકે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે મૂલ્યવર્ધન કરવા હાકલ કરી હતી. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સરકારે વિવિધ યોજનાઓ અમલી કરી છે ત્યારે ખેડૂતોએ આ મિશનને સફળ બનાવવા યોજનાઓનો લાભ લઈને માનવજાત અને પર્યાવરણની ચિંતા કરવા ધારાસભ્યએ અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી.કે. ટીંબડીયાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું હળની નાની પ્રતિકૃતિ આપીને સ્વાગત કર્યું હતું. તદુપરાંત ડૉ. સી.કે. ટીંબડીયાએ સ્વાગત પ્રવચન કરીને વિશ્વવિદ્યાલયમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓથી સૌને અવગત કર્યા હતા તથા આભાર વિધિ ડૉ. કે. જી. મહેતાએ કરી હતી. GAAS ના પ્રમુખ અને નવસારી તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. એ. આર. પાઠકે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સહિતના ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના સ્નાતક તથા અનુસ્નાતકના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ડિગ્રી એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તથા અન્ય મહાનુભાવોના વરદહસ્તે પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન પૂરું પાડતી પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.પરિસંવાદ પૂર્વે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, ધારાસભ્યશ્રી તેમજ કૃષિ વૈજ્ઞાનિકોએ યુનિવર્સિટી ખાતેના મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી તથા પ્રાકૃતિક કૃષિ ઉપજોના પ્રદર્શનને નિહાળ્યું હતું.આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ તેમજ કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.















