HALOLPANCHMAHAL

હાલોલનો ગામ બગીચો નવીનીકરણના નામે એક વર્ષથી બંધ,વેકેશનમાં બાળકો જાય ક્યાં, નગરજનોમાં ભારે રોષ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૦.૫.૨૦૨૬

 

હાલોલ નગરમાં મનોરંજન અને ફરવા માટેના એકમાત્ર સ્થળ સમાન ‘ગામ બગીચો’ છેલ્લા એક વર્ષથી મરામતના નામે બંધ રહેતા નગરજનોમાં પાલિકાના સત્તાધીશો સામે ભારે આક્રોશ અને ફિટકારની લાગણી જોવા મળી રહી છે. ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું હોવા છતાં બગીચો બંધ હોવાથી “બાળકોએ રમવા ક્યાં જવું?” તેવો મોટો પ્રશ્ન ઊભો થયો છે.હાલોલ બરોડા રોડ પર નગરપાલિકા ભવનની બાજુમાં જ આવેલો આ ઐતિહાસિક ગામ બગીચો વર્ષો જૂનો છે. અગાઉ અહીં બાળકો માટે રમવાના સાધનો તેમજ અન્ય સગવડોનો અભાવ હોવાથી, સ્થાનિકોની રજૂઆતને પગલે નગરપાલિકા દ્વારા આશરે રૂપિયા 1.70 કરોડના ખર્ચે બગીચાના નવીનીકરણ (અપડેટ) કરવાનું ખાતમુહૂર્ત આજથી એક વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું.નવીનીકરણની કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે હેતુથી બગીચાના મુખ્ય દ્વારને ‘ખંભાતી તાળાં’ મારી દેવાયા છે. પરંતુ સ્થાનિકોના આક્ષેપ મુજબ, એક વર્ષ વીતી જવા છતાં તંત્ર દ્વારા અંદર કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.નવીનીકરણના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં, હાલમાં બગીચાની સ્થિતિ પહેલાં કરતાં પણ બદતર અને બિસ્માર જોવા મળી રહી છે.એક વર્ષના લાંબા સમયગાળામાં તંત્રએ અંદર શું વિકાસ કર્યો? તે એક મોટો પ્રશ્નચિહ્ન છે.હાલમાં શાળાઓમાં પરીક્ષાઓ પૂર્ણ થઈ ચૂકી છે અને ઉનાળુ વેકેશન પણ ક્યારનુંય શરૂ થઈ ગયું છે. હાલોલ નગરમાં આ એક જ બગીચો હોવાથી દર વર્ષે વેકેશનમાં અહીં બાળકો અને સિનિયર સિટીઝનોની ભારે ભીડ રહેતી હોય છે પરંતુ આ વર્ષે તંત્રની આળસને કારણે નગરજનો ફરવા ક્યાં જાય? તે મોટી સમસ્યા બની છે.હવે જોવાનું એ રહે છે કે, કરોડો રૂપિયાના ખર્ચે કાગળ પર દર્શાવેલું આ આધુનિકીકરણ ખરેખર ક્યારે જમીન પર દેખાશે અને હાલોલના નગરજનોને તેમનો બગીચો ક્યારે પાછો મળશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!