નવસારી મનપાની પ્રથમ સામાન્ય સભા ૨૬ મેના રોજ મેયર, ડેપ્યુટી મેયર અને મુખ્ય સમિતિઓની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી, તા.૨૦: નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રથમ સામાન્ય સભા આગામી મંગળવાર તા. ૨૬-૦૫-૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે દેવિના પાર્ક સ્થિત ટાઉન હોલ ખાતે યોજાનાર હોવાનું સત્તાવાર એજન્ડા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મહાનગરપાલિકાના નવા શાસન તંત્રની રચનાને લઈને મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાઓ હાથ ધરાશે.
સભા દરમિયાન મહાનગરપાલિકાના સર્વોચ્ચ રાજકીય હોદ્દા એવા મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી કાયદાકીય જોગવાઈઓ મુજબ યોજાશે. આ ટર્મ માટે મેયરની બેઠક રોસ્ટર મુજબ “સામાન્ય” કેટેગરી માટે અનામત રાખવામાં આવી હોવાનું મનપા તંત્રએ જણાવ્યું છે.
આ ઉપરાંત શહેરના વહીવટી અને નાણાકીય કાર્યોમાં મહત્વપૂર્ણ ગણાતી સ્ટેન્ડીંગ કમિટીના ૧૨ સભ્યો તેમજ ટ્રાન્સપોર્ટ કમિટીના ૮ સભ્યોની નિયુક્તિ બાબતે પણ ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવામાં આવશે.
મહાનગરપાલિકા તંત્ર દ્વારા ઉમેદવારી પ્રક્રિયા માટે સમયમર્યાદા પણ જાહેર કરવામાં આવી છે. મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી લડવા ઇચ્છતા કાઉન્સિલરોએ ઉમેદવારી ફોર્મ આગામી તા. ૨૫-૦૫-૨૦૨૬ સુધી મ્યુનિસિપલ સેક્રેટરી કચેરીમાંથી મેળવવાના રહેશે. સભાના દિવસે પ્રમુખ સત્તાધિકારી દ્વારા ચૂંટણીની જાહેરાત થયા બાદ ૧૫ મિનિટની અંદર ભરેલા ઉમેદવારીપત્રો રજૂ કરવાના રહેશે.
સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો માટેના ઉમેદવારી પત્રો પણ તા. ૨૫ મે સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં મ્યુનિસિપલ સેક્રેટરી સમક્ષ રજૂ કરવા જણાવાયું છે.
નવસારી મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા સત્તાવાર એજન્ડા અનુસાર પ્રથમ સામાન્ય સભા માટેની તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જણાવાયું છે.




