
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સને ૨૦૨૬-૨૭ માટે સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અંતર્ગત જિલ્લાની ૮ શાળાઓના જુનિયર તથા સિનિયર ભાઈઓ-બહેનો માટે પાંચ દિવસીય સમર કેમ્પનું આયોજન ઋતુભરા વિશ્વ વિદ્યાલય, સાપુતારા ખાતે કરવામાં આવ્યું છે.
ગૃહ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પનો આરંભ તા. ૨૦ મે, ૨૦૨૬થી થયો છે, જે તા. ૨૪ મે, ૨૦૨૬ સુધી ચાલુ રહેશે.
કેમ્પ માટે વિદ્યાર્થીઓ તા.૧૯ મેના રોજ સાંજે ઋતુભરા વિશ્વ વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા. આગમન પ્રસંગે પોલીસ બેન્ડ અને પુષ્પગુચ્છ દ્વારા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમર કેમ્પના પ્રથમ દિવસે સવારે ૧૧:૦૦ કલાકે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા એસ.પી.સી. નોડલ અધિકારીશ્રી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી-સાપુતારા તથા લાયઝનિંગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત એસ.પી.સી. કન્યાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી.
ઉદ્ઘાટન પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષકશ્રીએ વિદ્યાર્થીઓને પાંચ દિવસીય સમર કેમ્પ માટે શુભેચ્છાઓ પાઠવી હતી, અને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા જીવનમાં શિસ્ત, નેતૃત્વ, જવાબદારી અને ઉત્તમ નાગરિકત્વના ગુણો વિકસાવવા પ્રેરણા આપી હતી.
કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વ્યક્તિત્વ વિકાસ, ટીમ બિલ્ડિંગ, શૈક્ષણિક માર્ગદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત, પ્રેરણાત્મક સત્રો તથા સામાજિક જાગૃતિ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રથમ દિવસના બપોર બાદના સત્રમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા યોજાઈ હતી. જેમાં કેમ્પ અંગેના તેમના અનુભવો, અપેક્ષાઓ અને શીખવાના મુદ્દાઓ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કેમ્પ પ્રત્યે આનંદ અને આતુરતા વ્યક્ત કરી હતી.





