RAJKOTRAJKOT CITY / TALUKO

ભુવાએ 40 વર્ષીય પરણિતાને બેભાન કરી અનેકવાર આચર્યું દુષ્કર્મ

રાજકોટ શહેરના ખોખડદળ ગામ નજીક એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં તુષાર સિંધવ નામના ભૂવા સામે ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે ભૂવાએ ધંધામાં પ્રગતિ અને સમસ્યાઓ દૂર કરવાની લાલચ આપી કારખાનેદાર દંપતીને પોતાની જાળમાં ફસાવ્યા હતા.

ફરિયાદ મુજબ ભૂવાએ દંપતીને ખાસ વિધિ અને પાઠ કરાવવાની સલાહ આપી હતી. આ દરમિયાન “પાઠમાં પુરુષ બેસી શકે નહીં” એવું કહી પતિને દૂર રાખી પત્નીને એકલી વિધિમાં બેસાડવામાં આવી હતી. ત્યારબાદ પરણિતાને બેભાન થઈ જાય તેવી વસ્તુ ખવડાવી તેના પર અનેકવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ભૂવાના સતત ત્રાસ અને ધમકીઓના કારણે તેને બે વખત મકાન બદલવાની ફરજ પડી હતી. તેમ છતાં હેરાનગતિ યથાવત રહેતા આખરે પોલીસનો સહારો લેવો પડ્યો હતો. ફરિયાદમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે આરોપીએ વિધિના નામે મોટી રકમ પણ પડાવી લીધી હતી.

આ સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે.

Back to top button
error: Content is protected !!