
શ્રી ઉમિયા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઉદ્યોગોની બેદરકારીથી પર્યાવરણ અને માનવજીવન જોખમમાં; પશુ-પક્ષીઓના મોતથી સ્થાનિકોમાં ભારે આક્રોશ
પલસાણા: ગુજરાતના ટેક્સટાઈલ અને ઈન્ડસ્ટ્રીયલ હબ ગણાતા સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાંથી એક ચિંતાજનક અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પલસાણા સ્થિત શ્રી ઉમિયા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કાર્યરત ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત ઝેરી પાણીએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો છે. વિકાસની આંધળી દોટ વચ્ચે બેફામ બનેલી ફેક્ટરીઓએ માત્ર કુદરતની ગરિમા જ નથી હણી, પરંતુ સ્થાનિક લોકો અને અબોલ પશુ-પક્ષીઓના જીવ પણ તાળવે ચોંટાડી દીધા છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેક્ટરીઓમાંથી ખુલ્લેઆમ છોડાતા રંગીન અને અત્યંત એસિડિક કેમિકલયુક્ત પાણીના કારણે આસપાસની હજારો એકર ફળદ્રુપ જમીન હવે સંપૂર્ણપણે બંજર થવાના આરે છે.
અબોલ જીવોનો ભોગ: આ ઝેરી પાણી પીવાના કારણે અસંખ્ય પશુ-પક્ષીઓ કમકમાટીભર્યા મોતના શરણે ગયા છે.
આરોગ્ય પર મોટું જોખમ: પ્રદૂષિત પાણીના કારણે આસપાસના ભૂગર્ભ જળ પણ દૂષિત થયા છે, જેના લીધે સ્થાનિક શ્રમિકો અને રહીશોમાં ત્વચાના રોગો, કેન્સર અને શ્વસનતંત્રની ગંભીર બીમારીઓ ફેલાવાનો ભય ચોમેર વર્તાઈ રહ્યો છે.
આ પર્યાવરણીય આતંક સામે અવાજ ઉઠાવનાર સ્થાનિક જમીન માલિક બ્રિજેશ શુક્લાએ તંત્રની પોલ ખોલતા સણસણતા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે:
હું છેલ્લા ૨૪ મહિનાથી આ નરકાગાર સામે સરકારી બાબુઓની ઓફિસોના ધક્કા ખાઈ રહ્યો છું. લેખિત રજૂઆતો કરવા છતાં પ્રશાસનના પેટનું પાણી હલતું નથી. ઉલટાનું, હવે તો સંસ્થાના કેટલાક વગદાર અને માથાભારે અધિકારીઓ મને મોઢું બંધ રાખવા અને આ કાયદાકીય લડત પાછી ખેંચી લેવા માટે સીધી કે આડકતરી રીતે ધમકીઓ આપી રહ્યા છે.
આ મામલો ગરમાતા હવે સ્થાનિક જનતા અને પર્યાવરણ પ્રેમીઓએ મોરચો ખોલ્યો છે. પ્રદૂષણ મુક્ત હવા-પાણી એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે, ત્યારે તંત્રની આવી લાપરવાહી સામે લોકોમાં રોષનો ભભૂકો જોવા મળી રહ્યો છે
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત






