AHAVADANG

ડાંગની દીકરીએ વધાર્યો ગુજરાતનો ગૌરવ : ક્રિકેટ ટીમમાં પસંદગી બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

આહવાના ચિરાપાડા ગામની ફનીબેન ચૌધરીની રાજ્ય ટીમમાં પસંદગીથી આદિવાસી વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં ખુશીની લાગણી

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિરાપાડા ગામની 13 વર્ષીય ફનીબેન એ. ચૌધરીએ ગુજરાત મહિલા અંડર-15 ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી રાજ્યનું નામ રોશન કર્યું છે. તેમની આ સિદ્ધિ બદલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવતો વિશેષ શુભેચ્છા પત્ર મોકલી પ્રોત્સાહન આપ્યું છે.

મુખ્યમંત્રીએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે રમતગમત માત્ર સ્પર્ધા પૂરતું મર્યાદિત નથી, પરંતુ યુવાનોમાં શારીરિક તંદુરસ્તી, શિસ્ત અને જીવનમૂલ્યો વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ફનીબેનની પ્રતિભા અને મહેનતની પ્રશંસા કરી ભવિષ્યમાં વધુ ઊંચાઈ સર કરવાની શુભેચ્છા પાઠવી છે.

ફનીબેન છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ ક્ષેત્રે સતત ઉત્તમ પ્રદર્શન કરી રહી છે. ડાંગ જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારમાંથી રાજ્ય કક્ષાએ પહોંચનાર દીકરી તરીકે તેમણે મહિલા શક્તિનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ અભ્યાસ સાથે ક્રિકેટની તાલીમ પણ લઈ રહી છે.

ફનીબેનના પરિવારજનોએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ પાછળ પરિવારનો સતત સહયોગ અને દીકરીની કઠોર મહેનત જવાબદાર છે. મુખ્યમંત્રી તરફથી મળેલા શુભેચ્છા પત્રથી પરિવાર તેમજ સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ છે.

Back to top button
error: Content is protected !!