
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – ઘઉં ખરીદીમાં બારદાનનો સંકટ, મેઘરજના ખેડૂતોમાં રોષ – સગવડતાના નામે મીંડું – માર્કેટ યાર્ડમાં હરાજી થતી નથી – ખેડૂતો

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ટેકાના ભાવે ઘઉં ખરીદી પ્રક્રિયામાં બારદાનની અછત મોટો પ્રશ્ન બની ઉભી રહી છે. બારદાનના અભાવે ખરીદી કામગીરી ધીમી પડતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. હાલ જૂના અને ફાટેલા બારદાનમાં ઘઉંની ખરીદી કરવામાં આવી રહી હોવાનું સામે આવતા ખેડૂતોમાં ચિંતા વધી છે.મેઘરજ તાલુકામાં ટેકાના ભાવે ઘઉં વેચવા માટે કુલ ૭૫૨ ખેડૂતો દ્વારા નોંધણી કરાવવામાં આવી હતી. જોકે અત્યાર સુધી માત્ર ૧૨૫ ખેડૂતોને જ ખરીદી માટે મેસેજ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો હજુ પણ ખરીદી પ્રક્રિયાની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ બારદાનની અછતને કારણે ખરીદીની ગતિ ખૂબ ધીમી બની ગઈ છે.ખેડૂતોનો આક્ષેપ છે કે ગોડાઉનમાં નવા બારદાન ઉપલબ્ધ ન હોવાથી હાલ જૂના અને ફાટેલા બારદાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગોડાઉન મેનેજરે પણ નવા બારદાન હજુ સુધી આવ્યા નથી તેવો સ્વીકાર કર્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.સરકારે ઘઉં ખરીદીની અંતિમ તારીખ ૧૫ જૂન સુધી લંબાવી હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી. બીજી તરફ ખુલ્લામાં પડેલા ઘઉં પર માવઠાનું જોખમ તોળાઈ રહ્યું હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી છે. સમયસર ખરીદી નહીં થાય તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક નવા બારદાન ઉપલબ્ધ કરાવી ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવવાની માંગ ઉઠાવી છે
મહત્વનું એ પણ છે કે ખેડૂતોના જણાવ્યા અનુસાર મેઘરજ તાલુકામાં માર્કેટયાર્ડ છેલ્લા કેટલાય સમયથી કાર્યરત છે પરંતુ કયા કારણે ત્યાં હરાજી થતી નથી તે પણ એક સવાલ છે બીજી તરફ રેલ્લાવાડા વિસ્તારમાં પણ સબ માર્કેટ યાર્ડ આવેલ છે છતાં ત્યાં પણ હરાજી થતી નથી જેને લઇ ક્યાંક ખેડૂતો લૂંટતા હોય અને મુશ્કેલી વેઠવી પડતી હોય તો નવાઈ નહીં ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર યોગ્ય ધ્યાન દોરે તે પણ જરૂરી che





