MORBI:મોરબીમાં દબાણ હટાવ ઝુંબેશ સામે સવાલો: મોટા કોમ્પ્લેક્સ પર મૌન, મધ્યમ વર્ગ પર જ કડકાઈ?







MORBI:મોરબીમાં દબાણ હટાવ ઝુંબેશ સામે સવાલો: મોટા કોમ્પ્લેક્સ પર મૌન, મધ્યમ વર્ગ પર જ કડકાઈ?


મોરબી: મોરબી જિલ્લો બન્યા બાદથી શહેરમાં દબાણ હટાવ અને ડિમોલેશન ઝુંબેશ તંત્ર દ્વારા સમયાંતરે ચલાવવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી હોવાના દાવા વચ્ચે હવે સ્થાનિક સ્તરે એક મહત્વની ચર્ચા જોર પકડી રહી છે. ખાસ કરીને મધ્યમ અને નાના વર્ગના લોકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું કાર્યવાહી દરેક માટે સમાન રીતે થઈ રહી છે કે પછી પસંદગીયુક્ત અમલ થઈ રહ્યો છે?

શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તારો, ખાસ કરીને પુના બસ સ્ટેન્ડથી નવા બસ સ્ટેન્ડ સુધીના માર્ગો, સરકારી હોસ્પિટલથી નવા બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ સાવસર પ્લોટ આસપાસ મોટા કોમ્પ્લેક્સ અને દુકાનોની આસપાસ પાર્કિંગ વ્યવસ્થાનો અભાવ ટ્રાફિક સમસ્યાને વધુ ગંભીર બનાવે છે તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે. ઘણા સ્થળોએ ઘર વપરાશના નાળા, હોકળા અથવા પાણીના પ્રવાહ માર્ગો ઉપર બાંધકામ થયાના આક્ષેપો પણ સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સ્થાનિકોમાં એવી માંગ ઉઠી રહી છે કે શહેરમાં ઉભા થયેલા મોટા કોમ્પ્લેક્સ, દુકાનો, બિલ્ડિંગો, શાળાઓ અને વ્યાવસાયિક બાંધકામોની કાયદેસરતા અંગે તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. પાર્કિંગ નિયમો, નાળા-વોકળા પર થયેલા બાંધકામો, મંજૂરી મુજબનું બાંધકામ થયું છે કે નહીં અને ટ્રાફિકમાં નડતરરૂપ માળખાઓ અંગે પણ સ્પષ્ટતા થવી જોઈએ તેવી માંગ પ્રબળ બની રહી છે.બીજી તરફ લોકોમાં એવો પણ મત વ્યક્ત થઈ રહ્યો છે કે જ્યાં મોટા બાંધકામો અને પ્રભાવશાળી વર્ગ સાથે જોડાયેલા મુદ્દાઓ પર કાર્યવાહી ધીમી દેખાય છે, ત્યાં નાના વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અથવા મધ્યમવર્ગના મકાનો સામે ઝડપથી કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ થાય છે. જોકે આ પ્રકારની ચર્ચાઓ અને આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
જાહેર હિતને ધ્યાનમાં રાખી શહેરી આયોજન, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ સુવિધા અને ગેરકાયદેસર બાંધકામ મુદ્દે મહાનગરપાલિકા તથા જિલ્લા કક્ષાના તંત્ર દ્વારા નિષ્પક્ષ, નીડર અને તટસ્થ તપાસ થાય તો હકીકતો સામે આવી શકે છે તેવી અપેક્ષા નાગરિકોમાં જોવા મળી રહી છે. શહેરના વિકાસ સાથે નિયમોનું સમાન પાલન અને પારદર્શક અમલ જ લોકોમાં વિશ્વાસ મજબૂત કરી શકે તેવું નાગરિક વર્ગ માની રહ્યો છે।



