જેલમાં કેદીના મૃત્યુ અંગે (કસ્ટોડિયલ ડેથ) – નિવૃત્ત ( જેલર ) એમ.એમ.દવે

તા.22/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે, કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે કોઇ પણ કારણથી થઈ શકે છે. મૃત્યુને આવવાના અનેક રસ્તાઓ છે. એટલે જેલ બહારની દુનિયાની જેમ જ જેલમાં પણ કોઈ પણ વ્યક્તિનું કુદરતી મોત કે અકુદરતી મોત થઈ શકે છે. જેલમાં કે પોલીસ લોકઅપમાં કોઈ આરોપીનું મૃત્યુ થાય એને સરકારી ભાષામાં “કસ્ટોડીયલ ડેથ” કહેવામાં આવે છે. આવું જ્યારે બને ત્યારે મીડિયા દ્વારા કે આરોપીઓના પરિવાર દ્વારા પોલીસ ઉપર કે જેલ પ્રશાસન ઉપર સીધા આક્ષેપો કરવામાં આવે છે કે આરોપીને પોલીસ કે જેલ સ્ટાફ દ્વારા માર મારવાથી જ મૃત્યુ થયું છે. ક્યારેક હજારો કિસ્સામાંથી એકાદ કિસ્સામાં તથ્ય હોઇ શકે છે, તથ્ય જણાય ત્યારે પોલીસ કે જેલ સ્ટાફ ઉપર હત્યાના ફોજદારી ગુન્હાઓ પણ નોંધાયેલા છે. પરંતુ હમેશા આક્ષેપોમાં સત્ય કે તથ્ય નથી જ હોતું. કોઈ પોલીસ સ્ટાફ કે જેલ સ્ટાફ એવો માર કદાપિ ન મારે કે આરોપીનું મૃત્યુ થઈ જાય કેમ કે પોલીસ કે જેલ સ્ટાફ એક જવાબદાર સરકારી કર્મચારી હોય છે, એમના ઉપર પણ ઉચ્ચ અધિકારીઓ, સરકાર કે માનવ અધિકાર અને ન્યાયતંત્ર જેવા નિયંત્રણો હોય છે. હા જરૂર જણાય
તો અમુક રીઢા ગુન્હેગારો ઉપર થર્ડ ડીગ્રીનો ઉપયોગ ચોકસ કરવામાં આવતો હશે પણ એની ચોકસ રીત અને એક મર્યાદા હોય છે. હા એ વાત સ્વીકારવી રહી કે કાયદો અને વ્યવસ્થા (લો એન્ડ ઓર્ડર) ની જવાબદારીના ભાગ રૂપે કટોકટીના સમયે અપવાદરૂપ કિસ્સામાં પોલીસ કે જેલ સ્ટાફ પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા કે સ્વ-બચાવમાં લાઠીચાર્જ કે ગોળીબાર પણ કરે છે જેમાં ઘણીવાર કોઈનું મોત પણ થતું હોય છે. અત્રે સમજવું જરૂરી છે કે સરકારી રાહે પોલીસદળ કે જેલ સ્ટાફને લાઠીઓ અને રાયફલ કે રિવોલ્વર જેવા દારૂગોળા જેવા સાધનો ઇસ્યૂ કરવામાં આવે છે એનો પણ કોઈ હેતુ તો હશે જ ને ??? ઘણીવાર આરોપીઓ દ્વારા કરવામાં આવતા હુમલાઓમાં પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થતા હોય છે, કોઈ કોઈ કિસ્સામાં પોલીસ કર્મચારીઓના મૃત્યુ થયા હોય એવી ઘટનાઓ પણ પોલીસ દફતરે નોંધાયેલ છે.
સાથે બીજી એક સ્પષ્ટતા કરું કે પોલીસ લોકઅપ અને તાલુકા સબ જેલ અને જિલ્લામાં આવેલ મુખ્ય જેલ ત્રણેય બિલકુલ અલગ છે. ત્રણેયનું સંચાલન જુદી રીતે થાય છે. જેમ કે લોકઅપ તો દરેક પોલીસ સ્ટેશનમાં હોય છે, જેમાં આરોપીને ૨૪ ક્લાક જ રાખવામાં આવે છે ત્યારબાદ સબંધિત કોર્ટમાં રજૂ કરી કોર્ટના આદેશ મુજબ આરોપીની ગુન્હાની ગંભીરતા ચકાસી તાલુકા કે જિલ્લા જેલ હવાલે કરવામાં આવે છે. અમુક તાલુકાઓમાં તાલુકા સબ જેલ આવેલી હોય છે જેનું સંચાલન મામલતદાર (એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ) દ્વારા થતું હોય છે જ્યાં આર્મ્સ પોલીસનો પહેરો હોય છે. લોકઅપમાં કે તાલુકા સબ જેલમાં જેલર કે જેલ સ્ટાફ હોતા નથી અને જેલ મેન્યુઅલના નિયમોનો કોઈ અમલ થતો નથી. જિલ્લા કક્ષાની જેલનો સંપૂર્ણ વહિવટ જેલ ડિપાર્ટમેંટ દ્વારા થાય છે. જ્યાં જેલના રક્ષક વર્ગના કર્મચારીઓ, જેલર , સીની. જેલર અને સુપ્રી. દ્વારા જેલ મેન્યુઅલ મુજબ જેલનું સંચાલન થાય છે.
પરંતુ પોલીસ લોકઅપ કે તાલુકા સબ જેલ કે જિલ્લા જેલમાં કોઈ કેદીનું મૃત્યુ થાય તો કેદી સરકારી મહેમાન કહેવાય એટલે મૃત્યુ અંગે ધોરણસરની પોલીસ ઇન્કવાઈરી ચોકસ થાય છે. તપાસના અંતે જરૂર જણાય તો જવાબદાર વ્યક્તિ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી પણ થાય છે. તંત્રની બેદારકરી સાબિત થાય તો પણ જવાબદાર અધિકારી કર્મચારીને સરકારી રાહે શિક્ષા પણ થતી હોય છે. પણ જેલોમાં આવી મૃત્યુની ઘટનાઓ કેવી રીતે બની શકે શા માટે બને એવો સવાલ ન થવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે જેલ ખાતામાં કદાચ મારા નામે એક વિશેષ રેકોર્ડ નોંધાયેલ છે કે મારી દરેક કેડરની ફરજો દરમ્યાન 52 થી વધુ કેદીઓનાં મૃત્યુ બાદની કાર્યવાહી પૂર્ણ કરી પરિવારને મૃતદેહ સોંપવા સુધીની કાર્યવાહી હું સફળતા પૂર્વક કરી ચૂક્યો છું. કોઈ કેદી રાજ્ય બહારનો હોય કે અનાથ હોય કોઈ મૃતદેહ સંભાળે એવું ન હોય ત્યારે મૃતદેહને મારી જાતે સ્મશાનમાં કે કબ્રસ્તાનમાં લઈ જઈને કેદીઓના ધર્મ અનુસાર મારા પોતાના ખર્ચે બંદીવાનોની સરકારી રાહે અંતિમ વિધિ મારા હાથે મેં કરેલી છે. ખાસ કોરોના સમયે આવી સેવા કરવાની તક બહુ મળી છે. ખૈર….
જેલમાં મૃત્યુ થવાનું વિશેષ કારણ ન હોઈ શકે,જેલમાં કેદીઓની સુરક્ષા અને આરોગ્યની જવાબદારી સરકારની એટલે કે જેલ પ્રશાસનની હોય છે. સુરક્ષા અને તબીબી સારવારની તમામ સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. છતા જેમ બહારની દુનિયામાં કોઈ કારણસર આકસ્મિક કે સામાન્ય મૃત્યુ થતા હોય તેમ જેલોમાં પણ ડિપ્રેશન કે કેન્સર જેવી જીવલેણ બીમારી કે કોઈ સામાજિક વજ્રઘાત કે આત્મઘાત કે હત્યા જેવી ઘટનાઓ પણ બનતી હોય છે. મારી ફરજો દરમ્યાન બે કે ત્રણ વખત જેલમાં બે કેદીઓ વચ્ચે અંદરો અંદર જગડો થતા એક કેદી દ્વારા બીજા કેદીની હત્યાની ઘટનાઓ પણ બનેલી છે. 2008-09 માં સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચકચારી “ચેતન બેટરી હત્યા કેસ ” મોટું ઉદાહરણ છે. જેલમાં જ્યારે કેદીના મૃત્યુની કોઈ ઘટના બને તો ત્વરિત જેલના મેડીકલ ઓફિસર દ્વારા જેલ હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર આપવામાં આવે છે.વધુ સારવારની જરૂર જણાય તો તાત્કાલિક પોલીસ એસ્કોર્ટ સાથે સરકારી વાહનમાં સિવિલ હોસ્પિટલ પણ રીફર કરવામાં પણ આવે છે. જ્યાં અંદરના દર્દી તરીકે દાખલ પણ કરવામાં આવે છે. જરૂર જણાય તો તેના પરિવારને પણ જાણ કરવામાં આવે છે.તેમ છતાં સારવાર દરમ્યાન કેદીનું અવસાન થાય તો સૌ પ્રથમ એના પરિવારને ટેલિફોનીક રીતે અથવા નજીકના પોલીસ સ્ટેશન દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવે છે. ત્યારબાદ મૃત્યુ અંગેનો પ્રાથમિક અહેવાલ જેલોની વડી કચેરી સબંધિત કોર્ટ, સરકાર ગૃહ વિભાગ અને ખાસ તો માનવ અધિકાર આયોગ ગાંધીનગર અને દિલ્હી અને જિલ્લા મેજિસ્ટ્રેટને કેદીના મૃત્યુ અંગેની પ્રાથમિક રીતે જાણકરી આપવામાં આવે છે. જો સામાન્ય કુદરતી મોત હોય તો ફરજ ઉપરના જેલર દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં બનાવ અંગેની જાણ કરવામાં આવે છે અને અકુદરતી મોત હોય તો પોલીસ ફરીયાદ દાખલ પણ કરવામાં આવે છે. બનાવ અંગેની સંપૂર્ણ પોલીસ તપાસ થાય છે, કુદરતી મોત હોય કે અકુદરતી મોત થયું હોય પણ બનાવની સંપૂર્ણ તપાસ કરી ત્રણ ડોક્ટરની પેનલ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહનું વિડિઓ રેકોર્ડિંગ સાથે પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવે છે. આમ સરકારી વિધિ પૂર્ણ કરી મૃતદેહનો કબજો તેના પરિવારના નજીકના સભ્યને વિધિવત રીતે અંતિમ ક્રિયા માટે સોંપવામાં આવે છે. (પરંતુ દેશની સુલેહ શાંતિને ધ્યાને લઈ ઘણીવાર તેના પરિવારને લાશનો કબજો કબજો એના પરિવારને સોંપવામાં નથી પણ આવતો દા.ત. ભારત સરકાર દ્વારા સંસદ હુમલાનો આરોપી અબઝલ ગુરુ કે અમેરિકા દ્વારા ઓસામા બિન લાદેનની લાશનો કબજો એના પરિવારને સોંપવામાં આવેલ નથી) ત્યારબાદ કસ્ટોડિયલ ડેથની મેજિસ્ટ્રેટ ઇન્કવાઇરી થાય છે તત્કાલીન જેલરને રૂબરૂ બોલાવી જેલમાં આરોપી દાખલ થયો ત્યારથી મૃત્યુ સુધીની મેડીકલ સારવાર સહિત તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે. પોલીસ તપાસ અધિકારી દ્વારા પણ રજૂ કરવામાં આવેલ તપાસના કાગળો તપાસી કુદરતી મોત હોય તો એ મુજબ રિપોર્ટ કરી કસ્ટોડિયલ ડેથની ફાઇલ ક્લોઝ કરવામાં આવે છે. અકુદરતી મોત હોય તો કુસુરદાર સામે કાર્યવાહી
પણ થતી હોય છે. આમ જેલમાં પણ મૃત્યુની ઘટનાઓ ( કસ્ટોડિયલ ડેથ ) બનવી સહજ બાબત છે.



