
અરવલ્લી – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં સ્પાની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ : SOGની રેઇડમાં સ્પા સંચાલક અને માલિક ઝડપાયા – “આવેદા ધ ફેમીલી સ્પા” મા પોલીસની રેડ
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સ્પાની આડમાં ચાલી રહેલા ગેરકાયદેસર દેહવ્યાપારના ધંધાનો અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી પોલીસે પર્દાફાશ કર્યો છે. મોડાસા-શામળાજી હાઇવે રોડ ઉપર નવી સિવિલ હોસ્પિટલ સામે આવેલા એટલાન્ટા બીજનેસ હબ કોમ્પલેક્ષના બીજા માળે આવેલ “આવેદા ધ ફેમીલી સ્પા” ખાતે રેઇડ કરી પોલીસે સ્પા સંચાલક અને માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા દ્વારા જિલ્લામાં સ્પાની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહવ્યાપારના ધંધા સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એચ. રાઠોડ સહિતની ટીમ કાર્યવાહી માટે સતર્ક બની હતી.
એસ.ઓ.જી ઓફિસ ખાતે હાજર પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ “આવેદા ધ ફેમીલી સ્પા”માં બહારથી મહિલાઓ બોલાવી પુરૂષ ગ્રાહકો પાસેથી નાણા વસૂલી ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે એ.એચ.ટી.યુ. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. શર્મા અને સ્ટાફ સાથે સંયુક્ત રેઇડનું આયોજન કરવામાં આવ્યું હતું.પોલીસે પંચોની હાજરીમાં એક ડમી ગ્રાહકને સ્પા ખાતે મોકલ્યો હતો. ત્યારબાદ પોલીસે દરોડો પાડતાં સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાનું સામે આવ્યું હતું. રેઇડ દરમિયાન સ્પા સંચાલકો પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓ બોલાવી કુટણખાણું ચલાવતા ઝડપાઈ ગયા હતા.આ મામલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ધી ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટની કલમ 3, 4 અને 5 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
જયોતિ સુજીતરાય સુલેન્દ્રરાય રોય – સ્પા સંચાલક, હાલ રહે. આવેદા ધ ફેમીલી સ્પા, મોડાસા, મૂળ રહેવાસી નજબગઢ, દિલ્હી
ગોવિંદ પ્રભુ પુરી – સ્પા માલિક, મૂળ રહેવાસી ખુંડાવાસ, રૂપવાસ, પાલી, રાજસ્થાન





