KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં તસ્કરો બેફામ,ઓમ ટેનામેન્ટમાં 2 ઘરના ગ્રિલ તોડી ચોરીનો પ્રયાસ, દ્વારકેશ નગરમાં તસ્કરોનું ટોળું દેખાતા ફફડાટ.

 

તારીખ ૨૪/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો ફરી એકવાર સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે. કાલોલના રાવળ ફળિયા કલાલ ઝાંપા વિસ્તારમાં આવેલા ઓમ ટેનામેન્ટમાં શુક્રવારે મોડી રાત્રે તસ્કરોએ ત્રાટકીને બે બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. આ ઉપરાંત નગરની અન્ય એક સોસાયટીમાં પણ મોટી સંખ્યામાં તસ્કરો દેખાતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

મળતી માહિતી મુજબ, ઓમ ટેનામેન્ટના બે મકાનોની લોખંડની ગ્રીલ તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. ચોરીના ઈરાદે આવેલા આ તસ્કરોએ ઘરની અંદરનો તમામ સામાન વેરવિખેર (રફેદફે) કરી નાખ્યો હતો. આ ઘટના બાદ સોસાયટી અને ઘરની અંદરની પરિસ્થિતિનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આ અંગે કાલોલ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો છે પરંતુ આ બનાવ અંગે હજી સુધી પોલીસ મથકે સત્તાવાર રીતે કોઈ ફરિયાદ નોંધાવા પામી નથી. બીજી તરફ કાલોલના દ્વારકેશ નગરમાં ખેતર તરફ આવેલ એક ઘરમાં ૧૦ થી ૧૨ તસ્કરો ત્રાટક્યા હોવાની માહિતી મળી છે જેમાં ઘરમાં રહેતા લોકો જાગી જતા તસ્કરો તેમની સામે બેટરીનો પ્રકાશ નાંખ્યો હતો અને નાસી છૂટ્યા હતા.ઓમ ટેનામેન્ટ ઉપરાંત, કાલોલના દ્વારકેશ નગર સોસાયટી વિસ્તારમાં પણ રાત્રિના સુમારે આશરે ૧૦ થી ૧૨ જેટલા તસ્કરો હથિયારો કે સાધનો સાથે આવ્યા હોવાની વ્યાપક માહિતી મળી રહી છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં તસ્કરો સક્રિય થતાં નગરજનો રાત્રિના સમયે ફફડાટ અનુભવી રહ્યા છે.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ આ પંથકમાં અનેકવાર ચોરીના બનાવો બની ચૂક્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે કાલોલ પોલીસ દ્વારા રાત્રિના સમયે પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે અને સોસાયટી વિસ્તારોમાં પોલીસ વાનનું ચેકિંગ વધારવામાં આવે તેવી લોકમુખે ઉગ્ર માંગ ઉઠી છે. જો પોલીસ સમયસર કડક પગલાં નહીં ભરે, તો આગામી દિવસોમાં કોઈ મોટી ચોરીની ઘટના બને તેવી આશંકા સેવાઈ રહી છે.

Back to top button
error: Content is protected !!