
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – LCB નો દારૂ સપ્લાય ચેઇન પર સપાટો અમરતપુરા કંપા પાસે કારમાંથી 3.63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે રાજસ્થાની બુટલેગર ઝડપાયા
અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પ્રોહિબિશન મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમરતપુરા કંપા ગામની સીમમાં મેઢાસણ-બોડી રોડ પરથી મારૂતી સ્વિફ્ટ ડિઝાયર કારમાં ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂ.6.83 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એમ.એચ. ઝાલાની ટીમ પ્રોહિ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે રાજસ્થાનથી વિદેશી દારૂ ભરેલી સફેદ રંગની સ્વિફ્ટ ડિઝાયર કાર ગાંધીનગર ચિલોડા તરફ અંદરના માર્ગે જવાની છે.બાતમીના આધારે એલસીબી ટીમે અમરતપુરા કંપા ગામની સીમમાં વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ કાર આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. કારચાલકે થોડે આગળ ગાડી ઊભી રાખી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે બંને ઇસમોને ઝડપી પાડ્યા હતા.કારની તપાસ દરમિયાન પોલીસે વિદેશી દારૂ અને બિયરની કુલ 23 પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 1049 બોટલ અને ટીન મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ.3.63 લાખ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત કાર, બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.6.83 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓની ઓળખ મયુર દિનેશભાઈ કમલાજી મીણા અને રાજેન્દ્ર વિરેન્દ્રજી થાવરાજી મીણા તરીકે થઈ છે. બંને આરોપીઓ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.પોલીસે આ કેસમાં ઉદેપુરના રાકેશસિંહ ઝાલાને વોન્ટેડ જાહેર કર્યો છે. તેમજ ગાંધીનગર ચિલોડા ખાતે દારૂનો જથ્થો લેવા આવનાર એક અજાણ્યા શખ્સની પણ શોધખોળ હાથ ધરાઈ છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મયુર મીણા સામે અગાઉ પણ ગાંધીનગરના પેથાપુર અને સાબરકાંઠાના હિમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે.
ઝડપાયેલ મુદ્દામાલ
વિદેશી દારૂ અને બિયરની 1049 બોટલ/ટીન – કિંમત રૂ.3,63,535
કાર – કિંમત રૂ.3 લાખ
મોબાઇલ ફોન – કિંમત રૂ.20 હજાર
વોન્ટેડ આરોપીઓ
રાકેશસિંહ ઝાલા, ઉદેપુર (રાજસ્થાન)
ગાંધીનગર ચિલોડા ખાતે દારૂ લેવા આવનાર અજાણ્યો





