BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં પાણી કાપ મુદ્દે કોંગ્રેસની ઉગ્ર રજૂઆત, તહેવારો પહેલા શહેરીજનોને મુશ્કેલી ન પડે તેવી માંગ

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ તથા નગરપાલિકાના ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યો દ્વારા ભરૂચ નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ દેવેન્દ્ર વસાવાને રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, સફાઈ અને પાણીની સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને શહેરમાં તાજેતરમાં કરવામાં આવેલા પાણી કાપ મામલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના આગેવાનો એ જણાવ્યું હતું કે થોડાક દિવસોમાં ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે શહેરમાં પાણી કાપ યોગ્ય ગણાવી શકાય નહીં. તહેવારોના સમયમાં લોકોને પીવાના પાણી માટે હાલાકી ભોગવવી પડે તે વહીવટી નિષ્ફળતા હોવાનું જણાવી પાલિકા તંત્ર સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા.કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 30 વર્ષના શાસન બાદ પણ જો ભરૂચના શહેરીજનોને ભર ઉનાળામાં અને તહેવારો દરમિયાન પાણી કાપ સહન કરવો પડે તો તે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.આ તરફ પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે નર્મદા કેનાલમાં સફાઈ સહિતની કામગીરી ચાલી રહી હોવાથી પાણી પુરવઠામાં મુશ્કેલી સર્જાઈ છે. જેના કારણે પાણી કાપનો નિર્ણય લેવાયો છે.જોકે પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને સમયસર પાણી મળી રહે તે માટે જરૂરી આયોજન પણ કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!