હાલોલ કોર્ટનો મોટો ચુકાદો: ચેક રીટર્ન કેસમાં ચોંકાવનારો વળાંક, લોનના બહાને ડ્રાઈવરના નામે બોગસ એકાઉન્ટ ખોલી આચરાયું કૌભાંડ.આરોપી નિર્દોષ

તારીખ ૨૫/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
હાલોલની એડીશ્નલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં વર્ષ ૨૦૧૯થી ચાલી રહેલા એક હાઈ-પ્રોફાઈલ ચેક રીટર્ન કેસ (ક્રિમીનલ કેસ નં. ૮૧૯/૨૦૧૯) માં એક અત્યંત ચોંકાવનારી હકીકત સામે આવી છે. એક સામાન્ય ડ્રાઈવરના અજાણતા તેના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને બેંક મેનેજર અને અન્ય ઈસમોની મિલીભગતથી લાખો રૂપિયાનું લોન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો બચાવ પક્ષ દ્વારા કોર્ટ સમક્ષ ખુલાસો કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો? શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપની લિમિટેડ (હાલ મર્જ થયેલ શ્રીરામ ફાઈનાન્સ કંપની) ના અધિકૃત અધિકારી દ્વારા ઘોઘંબા તાલુકાના ચંન્દૂનગરના વેપારી દશરથભાઈ મનુભાઈ પરમાર વિરુદ્ધ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ, આરોપી દશરથભાઈએ ‘ફોર્સ ક્રૂઝર-પી’ (વાહન રજીસ્ટ્રેશન નં. GJ-06-BL-4611) ખરીદવા માટે કંપનીમાંથી લોન લીધી હતી. આ લોનના હપ્તાની બાકી નીકળતી રકમ પૈકી રૂપિયા ૪,૦૧,૯૯૭/ ની ચુકવણી માટે તેમણે ઈન્ડિયન ઓવરસીઝ બેંક, હાલોલ શાખાનો ચેક આપ્યો હતો. આ ચેક આઈસીઆઈસીઆઈ બેંકમાં જમા કરાવતા ‘ફંડસ ઇનસફિશિયન્ટ’ ના શેરા સાથે પરત ફર્યો હતો. લીગલ નોટિસ આપવા છતાં રકમ ન ચૂકવાતા કંપનીએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જેમાં આરોપી તરફે એડવોકેટ કે ડી મલેક હાજર રહ્યા હતા.ફરિયાદીએ ઊલટ તપાસમાં સ્વીકારેલ કે જે વ્યક્તિનું નામ આરસી બુકમાં હોય તેને જે લોન મળે.બીજી ફાઇનાન્સ કંપની ની લોન બાકી હોય તો એ ફાઇનાન્સ કંપની ની એનઓસી વગર નવુ ધિરાણ ન મળે તેવું પણ સ્વીકારેલ છે.કોર્ટમાં ડ્રાઈવરના નિવેદનથી મચ્યો ખળભળાટ,આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સી.આર.પી.સી. કલમ-૩૧૩ હેઠળ આરોપીનું વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું. દશરથભાઈ પરમારે કોર્ટ સમક્ષ જણાવ્યું કે તેઓ અત્યારે હાલોલ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. આ અગાઉ વર્ષ ૨૦૦૨ થી ૨૦૦૫ દરમિયાન તેઓ લાલાભાઈ પુજાભાઈ પારેખ અને મરણજનાર અશોકભાઈ પારેખને ત્યાં ડ્રાઈવિંગની નોકરી કરતા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે નોકરી દરમિયાન તેમના ઘરના તમામ અસલ દસ્તાવેજો જેવા કે આધારકાર્ડ, લાયસન્સ, રેશનકાર્ડ અને ફોટોગ્રાફ્સ શેઠ પાસે હતા. આ દસ્તાવેજોનો દુરુપયોગ કરીને લાલાભાઈ, તેમના ભાઈ અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકના તત્કાલીન મેનેજરે ભેગા મળીને તેમની ખોટી સહીઓ કરી બેંકમાં બોગસ ખાતું (એકાઉન્ટ નં. ૨૧૬૫૦૧૦૦૦૦૦૨૫૦૯) ખોલાવી દીધું હતું.આરોપીએ કોર્ટને વધુમાં જણાવ્યું કે આ બોગસ એકાઉન્ટની ચેકબુક મેળવીને તેમના નામે ફાઈનાન્સ કંપનીમાંથી રૂપિયા ૪,૮૪,૩૮૬/- ની લોન ઉપાડી લેવામાં આવી હતી. લોન મેળવતી વખતે કે બેંકમાં ખાતું ખોલાવતી વખતે તેઓ ક્યારેય હાજર નહોતા અને જે ગાડી પર લોન લેવાઈ છે તે ગાડી ક્યારેય તેમના નામે નહોતી. આ સમગ્ર છેતરપિંડી અને ફોર્જરી અંગે આરોપી ડ્રાઈવર દ્વારા હાલોલ ટાઉન પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ પણ આપવામાં આવી છે, જેની પોલીસ તપાસ હાલ ચાલી રહી છે.કોર્ટમાં બંને પક્ષો દ્વારા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે અને મામલો હાલ ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે. કોર્ટમાં ફરિયાદીએ પોતાની ફરિયાદ સાથે આરોપીએ કઈ તારીખે લોન માટે અરજી કરી હતી, કેટલી રકમ ની લોન ક્યારે મંજૂર થઈ હતી તેમજ લોનનો સમયગાળો કેટલો હતો આરોપીએ કેટલા પૈસા ભર્યા હતા.ક્યારથી પૈસા ભરવાનું બંધ કર્યું તેવી કોઈ વિગત જણાવી નથી.વધુમાં જે વાહન ફાઈનાન્સ કરેલ તે વાહનની આરસી બુકમાં આરોપીને બદલે અન્ય વ્યક્તી નુ નામ છે અને તેના ઉપર વિજાપુર લીઝ ફાઈનાન્સ નુ ફાઇનાન્સ પણ ચાલુ છે આરોપી એ આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર ગોધરા જે સાહેદ તરીકે બોલાવતા તેઓએ પણ વ્હીકલ આરોપીના નામે ન હોવાનું પુરવાર થયું છે.ચેકમાંનુ લખાણ ત્રણ અલગ અલગ અક્ષરોમાં લખવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યુ છે.સમગ્ર બાબતે હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ આર બી જોશીએ દશરથભાઈ મનુભાઈ પરમાર ને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.એક સામાન્ય ડ્રાઈવરના દસ્તાવેજોના આધારે બેંક મેનેજરની મિલીભગતથી આચરાયેલા આ કૌભાંડે સ્થાનિક પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.








