GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ઝેરનામુવાડામાં મૂળભૂત સુવિધાનો અભાવ: રસ્તા ખરાબ, પાણીની યોજના અધૂરી, ગ્રામજનો દ્વારા તંત્ર સામે ભારે આક્રોશ.

 

તારીખ ૧૨/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ બે વર્ષથી રસ્તાની સમસ્યા યથાવત રહેતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.સ્થાનિકોના જણાવ્યા મુજબ કાચા અને બિસ્માર રસ્તાના કારણે નાના બાળકોને શાળાએ જવામાં ભારે હાલાકી પડે છે. બીમાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવાની જરૂર પડે ત્યારે પણ વાહનવ્યવહાર મુશ્કેલ બની જાય છે. વરસાદી મોસમમાં સ્થિતિ વધુ ગંભીર બની જતી હોવાનું ગ્રામજનો કહે છે.આશરે 50 જેટલા પરિવારો વસવાટ કરતા આ વિસ્તારમાં પાણી માટે બે ટાંકીઓ ઉભી કરવામાં આવી હતી અને પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ ટાંકી સાથે જોડાયેલી કેટલીક પાઇપો અને લોખંડની સીડી ચોરી થઈ જતાં પાણીની યોજના પણ અધૂરી હાલતમાં હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં રસ્તા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ અંગે કોઈ જવાબદાર અધિકારી કે તંત્રએ યોગ્ય પગલાં લીધાં નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી તથા સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ રસ્તાનું કામ શરૂ કરવા અને પાણીની યોજનાને કાર્યરત બનાવવા માંગ કરી છે. સ્થાનિકોની ચેતવણી છે કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ લોકશાહી ઢબે ઉગ્ર રજૂઆત કરવા મજબૂર બનશે.

Back to top button
error: Content is protected !!