BHARUCHBHARUCH CITY / TALUKO

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભરૂચ આવવા કાળઝાળ ગરમી વચ્ચે રેલવેમાં મુસાફરી કરી

સમીર પટેલ, ભરૂચ

*******
*અમદાવાદથી ભરૂચ સુધી રાજ્યપાલશ્રીએ સામાન્ય મુસાફરની જેમ કર્યો રેલવેમાં પ્રવાસ*
***
ભરૂચ – સોમવાર- ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પોતાની સાદગી અને જન સંવેદના માટે જાણીતા છે. આ જ શ્રેણીમાં, ફરી એકવાર તેઓ લોકભવનની સુખ સુવિધાઓ છોડીને સીધા જનતાની વચ્ચે પહોંચ્યા હતા. રાજ્યપાલશ્રીએ અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનથી ભરૂચ સુધીની યાત્રા શતાબ્દી એક્સપ્રેસમાં બેસીને કરી હતી.
આ યાત્રાની સૌથી વિશેષ વાત એ રહી કે રાજ્યપાલશ્રીએ પ્રોટોકોલ અને વિશિષ્ટ સુવિધાઓને બાજુ પર રાખીને, એક સામાન્ય નાગરિકની જેમ મુસાફરી કરી હતી. મે મહિનાની કાળઝાળ ગરમીમાં, જ્યાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે રાજ્યપાલશ્રી દ્વારા આ સાદગીપૂર્ણ પ્રવાસ શાસન પ્રત્યે જનતાના વિશ્વાસને વધુ મજબૂત કરે છે.
સફર દરમિયાન રાજ્યપાલશ્રીએ રેલવેમાં સવાર અન્ય મુસાફરો સાથે અત્યંત આત્મીય અને આદરપૂર્ણ સંવાદ કર્યો હતો. તેમણે મુસાફરોને તેમના ખબર અંતર પૂછ્યા, તેમની સમસ્યાઓને સમજી અને સરકારી પરિવહન સેવાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો. મુસાફરો માટે પણ આ એક સુખદ અને આશ્ચર્યજનક ક્ષણ હતી કે તેમની વચ્ચે રાજ્યના પ્રથમ નાગરિક એક સામાન્ય મુસાફરની જેમ બેઠા છે.

આ અગાઉ પણ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ઘણી વખત રેલવે / એસ.ટી. બસમાં મુસાફરી કરી ચૂક્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યપાલશ્રીની આ યાત્રા તેમના જીવન મૂલ્યો, પ્રભાવી જનસંપર્ક અને જાહેર સેવાઓ પ્રત્યે તેમની નિષ્ઠાને પ્રતિબિંબિત કરે છે.

આ પ્રસંગે, વહીવટી તંત્ર વતી જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ કાપસે તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાએ પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ સાથે જ, લોકપ્રતિનિધિત્વની ગરિમાને ઉજાગર કરતા ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણા અને જંબુસરના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીએ પણ મહાનુભાવને પુષ્પગુચ્છ ભેટ ધરી ભાવભીનું સ્વાગત કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આચાર્ય દેવવ્રતજી દર અઠવાડિયે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત કોઈ એક તાલુકામાં જઈને ગામની એક એકર જમીન પર ગ્રામજનો સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરે છે. ત્યારબાદ ગામમાં ગ્રામજનો સાથે પોતે હાથમાં ઝાડું લઈને સફાઈ કરે છે. પછી ગામના કોઈ અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારના ઘરે રાત્રિ ભોજન ગ્રહણ કરે છે. રાત્રિ સભામાં ગ્રામજનો સાથે શિક્ષણ, સંસ્કાર, વ્યસનમુક્તિ, આરોગ્ય, પશુપાલન, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સમરસતા, પ્રાકૃતિક ખેતી વગેરે વિષયો પર ગોષ્ઠિ થાય છે. આ પ્રવાસ દરમિયાન રાજ્યપાલશ્રી કોઈ સુવિધાયુક્ત ભવનને બદલે ગામની સરકારી શાળાના સામાન્ય કક્ષમાં રાત્રી વિશ્રામ કરે છે. વહેલી સવારે શાળાના બાળકો સાથે યોગ-પ્રાણાયામ કરે છે. ત્યારબાદ પ્રાકૃતિક ખેતી કરતા કોઈ ખેડૂતના ખેતરની મુલાકાત લે છે અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પર માર્ગદર્શન આપે છે. ખેડૂતના ખેતરમાં ગાયનું દૂધ દોહન પણ કરે છે. આ કાર્યક્રમના અંતિમ તબક્કામાં સમગ્ર તાલુકામાંથી આવેલા ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીના વિષય પર સંવાદ કરે છે.

Back to top button
error: Content is protected !!