પીઝા અને પંજાબી વાનગીઓના કાફેની ફ્રેન્ચાઈઝીના નામે 20 લાખનું કૌભાંડ: દંપતીએ રોકાણકારો અને કર્મચારીઓને છેતર્યા, પતિ-પત્ની બંનેની ધરપકડ


સમીર પટેલ, ભરૂચ
રાજ્યભરમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને એક દંપતી દ્વારા આશરે રૂપિયા 20 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ ‘વર્ધિયન’ અને ‘કુલચા કાફે’ના નામે ફ્રેન્ચાઈઝી આપવાની લાલચ આપીને અનેક રોકાણકારોને પોતાના શિકાર બનાવ્યા હતા. આ સમગ્ર કૌભાંડ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
60 આઉટલેટ્સના બહાને ખેલ ખેલાયો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શેરે અને તેની પત્ની વૈભવી શેરેએ રોકાણકારો સમક્ષ દેશભરમાં 60 ફૂડ સ્નેક્સ આઉટલેટ્સ શરૂ કરવાની મોટી યોજના રજૂ કરી હતી. આ લોભામણી યોજના બતાવીને તેમણે રોકાણકારો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ મેળવી લીધું હતું. જોકે, વાસ્તવમાં માત્ર 18 આઉટલેટ્સ જ શરૂ કરવામાં આવ્યા હતા. બાકીના આઉટલેટ્સ અંગે રોકાણકારોને ખોટા વાયદા અને બહાના બતાવી લાંબા સમય સુધી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.
મધ્યમવર્ગીય કર્મચારીઓ અને મહિલાઓ પણ ભોગ બન્યા
આ કૌભાંડનો ભોગ માત્ર મોટા રોકાણકારો જ નથી બન્યા, પરંતુ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો પણ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. સુરત અને વડોદરા સહિતના શહેરોમાં આલુ ટીક્કી, પીઝા અને અન્ય ફાસ્ટફૂડ સામગ્રી તૈયાર કરતી 40થી વધુ મહિલાઓ તથા કાફેમાં કામ કરતા 50થી વધુ કર્મચારીઓ છેલ્લા ત્રણ મહિનાથી પગાર વિના કામ કરી રહ્યા છે. પગાર ન મળવાને કારણે આ શ્રમિક પરિવારો પર આર્થિક સંકટ આવી પડ્યું છે અને તેઓ ન્યાય મેળવવા માટે પોલીસ મથકના ધક્કા ખાઈ રહ્યા છે.
પોલીસ ફરિયાદ અને ધરપકડ
આ છેતરપિંડી અંગે ભરૂચના આશિષ નેલશનભાઈ ક્રિચીયને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી છે. રોકાણકારોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે મહિલા આરોપી વૈભવી શેરે અને તેના સાગરીત જૈમિન ડોંગરેની અટકાયત કરી રિમાન્ડ મેળવ્યા છે. કૌભાંડનો મુખ્ય આરોપી સૌરભ શેરે હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ઊંડાણપૂર્વક તપાસ શરૂ
ભરૂચ એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) આર.એમ. વસાવા અને તેમની ટીમ દ્વારા આરોપીઓના બેંક ખાતા, આર્થિક વ્યવહારો, રોકાણની વિગતો અને ફ્રેન્ચાઈઝી માટે થયેલા કરારો અંગે ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં આ કૌભાંડમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.




