WAKANER વાંકાનેર વધાસીયા ટોલ મુદ્દે ગ્રામજનોનો ઉગ્ર રોષ: “ગામમાં જવા પણ ટેક્સ કેમ?” — તંત્રને ત્રણ દિવસનું અલ્ટીમેટમ







WAKANER વાંકાનેર વધાસીયા ટોલ મુદ્દે ગ્રામજનોનો ઉગ્ર રોષ: “ગામમાં જવા પણ ટેક્સ કેમ?” — તંત્રને ત્રણ દિવસનું અલ્ટીમેટમ



વાંકાનેર તાલુકાના વધાસીયા નવા-જૂના ગામના સમસ્ત ગ્રામજનોએ ગામના જવાના રસ્તે કાર્યરત ટોલબુથ સામે ઉગ્ર રોષ વ્યક્ત કરી વાંકાનેર તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નિરાકરણની માંગ ઉઠાવી છે. ગ્રામજનોએ ટોલબુથને “ગેરવ્યાજબી અને ગામજનો માટે મુશ્કેલી સર્જનાર” ગણાવી અનેક ગંભીર મુદ્દાઓ તંત્ર સમક્ષ રજૂ કર્યા છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, વધાસીયા ગામમાં પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તા પર કાર્યરત ટોલબુથના કારણે રોજિંદા અવર-જવર કરનાર લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને ગામના લોકો પોતાના ખેતરો, પેટ્રોલપંપ, હોટલ અથવા હાઈવે પરના અન્ય કામો માટે અનેક વખત આવન-જાવન કરતા હોય છે ત્યારે ટોલ વસુલાતને કારણે આર્થિક ભારણ અને વિવાદો ઊભા થઈ રહ્યા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.આવેદનમાં ઉલ્લેખ કરાયો છે કે વધાસીયા ગામની પૂર્વ દિશામાં આશરે ૪૦૦૦ વિઘા જેટલી ખેતીની જમીન આવેલી હોવાથી ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવા માટે ૨ થી ૩ કિલોમીટર સુધી “રોંગ સાઈડ” વાહન હંકારવાની ફરજ પડે છે, જે ગંભીર અકસ્માતનું જોખમ ઊભું કરે છે. ગ્રામજનોનો દાવો છે કે અગાઉ આ માર્ગ પર અકસ્માતોમાં અનેક વાહનચાલકોનાં મોત પણ નિપજ્યાં હોવા છતાં કાયમી ઉકેલ આવ્યો નથી.સાથે જ, ટોલબુથના મેનેજર પર ગ્રામજનો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન અને પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ગામજનોનું કહેવું છે કે વધાસીયા ગામના ખાનગી તેમજ કોમર્શિયલ વાહનો પાસેથી અગાઉ ક્યારેય ટોલ વસુલાયો નહોતો, છતાં હવે ફરજિયાત વસુલાત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બહારગામથી આવતા મહેમાનોને પણ ટોલ ચૂકવવો પડતો હોવાથી ગ્રામજનોમાં અસંતોષ વધી રહ્યો છે.

ધાર્મિક લાગણી સાથે જોડાયેલા મુદ્દાને પણ રજૂઆતમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટોલનાકાની નજીક આવેલ મેલડી માતાજીના મંદિર પાસેનો રસ્તો અવરોધાયો હોવાની તેમજ સ્ક્રેપ સામાન મુકાતા ધાર્મિક પ્રસંગો માટે જગ્યા ન રહેતી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.ગ્રામજનોએ તંત્ર સમક્ષ મુખ્યત્વે ગામ તરફના ટોલબુથ દૂર કરવા, હાઈવે પર ડિવાઈડર કટની વ્યવસ્થા ઉભી કરવા તેમજ ગામજનોને ટોલ મુક્ત અવર-જવર સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે ત્રણ દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન શરૂ કરવામાં આવશે.
જો કે, આ સમગ્ર મામલે ટોલ પ્લાઝા સંચાલન અથવા સંબંધિત તંત્રનો સત્તાવાર પક્ષ હજી સામે આવ્યો નથી. તેથી સમગ્ર ઘટનાક્રમ અંગે તંત્ર અને ટોલ વ્યવસ્થાપનનો પ્રતિસાદ સામે આવ્યા બાદ હકીકતો વધુ સ્પષ્ટ બની શકે છે.



