MORBI:મોરબી જિલ્લાની તમામ સરકારી આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ૨૩ જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે







MORBI:મોરબી જિલ્લાની તમામ સરકારી આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ૨૩ જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે


તાલીમાર્થીઓને નમો કૌશલ્યા લક્ષ્મી યોજના, સ્કોલરશીપ, વિનામૂલ્યે એસ.ટી. પાસ અને ગણવેશ સહાય સહિતના વિવિધ સરકારી લાભો મળવાપાત્ર
ITI નો બે વર્ષનો કોર્સ પૂર્ણ કરનારને ધોરણ-૧૨ સમકક્ષતાનું પ્રમાણપત્ર મળશે; નજીકની ITI ખાતે વિનામૂલ્યે માર્ગદર્શન સેન્ટર કાર્યરત
ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ખાતે પ્રવેશ વર્ષ-૨૦૨૬ માટેની પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા હાલ શરૂ છે. મોરબી, માળિયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે કાર્યરત વિવિધ પ્રકારના NCVT અને GCVT પેટર્નના ટેકનિકલ કોર્ષ અને વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૩/૦૬/૨૦૨૬ નિયત કરવામાં આવી છે.
સરકારી આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવતા તાલીમાર્થીઓને સરકારશ્રી તરફથી અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અને વિશેષ સુવિધાઓનો લાભ આપવામાં આવે છે. જેમાં ‘નમો કૌશલ્યા લક્ષ્મી યોજના’ હેઠળ મહિલા તાલીમાર્થીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ૧ વર્ષના કોર્સ માટે રૂ. ૧૫,૦૦૦/- અને ૨ વર્ષના કોર્સ માટે રૂ. ૨૪,૦૦૦/- ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, તમામ તાલીમાર્થીઓને ગણવેશ માટે રૂ. ૨,૦૦૦/- ની સહાય, વિવિધ સરકારી સ્કોલરશીપ અને સ્વરોજગારી માટે બેંકેબલ સબસિડી વાળી લોનની સુવિધા ઉપલબ્ધ કરાવાય છે. તમામ તાલીમાર્થીઓને વિનામૂલ્યે એસ.ટી. બસ પાસની સુવિધા મળવાપાત્ર છે, જ્યારે એસ.સી., એસ.ટી. અને મહિલા તાલીમાર્થીઓને સંપૂર્ણ ટ્યુશન ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે.
સંસ્થા ખાતે સ્પેશિયલ પ્લેસમેન્ટ સેલ કાર્યરત છે જે અંતર્ગત સમયાનુસારે ભરતી મેળાઓ યોજીને યુવાનોને નામાંકિત કંપનીઓમાં રોજગારી અપાવવામાં આવે છે. વિશેષરૂપે, ધોરણ-૧૦ પછી ITI નો બે વર્ષનો માન્યતા પ્રાપ્ત કોર્સ કરનાર વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ સમકક્ષનું પ્રમાણપત્ર મળે છે, જે આગળ કોલેજ કે સ્કિલ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા, ડિપ્લોમા એન્જિનિયરીંગના સીધા બીજા વર્ષમાં પ્રવેશ માટે તેમજ ૧૨ પાસ સમકક્ષની સરકારી ભરતીઓ માટે સંપૂર્ણ માન્ય ગણાય છે.
આ પ્રવેશ પ્રક્રિયામાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો ઇન્ટરનેટના માધ્યમથી સત્તાવાર વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in પર જઈને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે અને માત્ર રૂ. ૫૦/- રજીસ્ટ્રેશન ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે. જે ઉમેદવારોને ફોર્મ ભરવામાં કે માર્ગદર્શન મેળવવામાં મુશ્કેલી હોય, તેમના માટે મોરબી જિલ્લાની તમામ સરકારી આઈ.ટી.આઈ. ખાતે સવારે ૧૦:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક દરમિયાન વિનામૂલ્યે ઓનલાઈન ફોર્મ ભરી આપવા તેમજ કારકિર્દી લક્ષી માહિતી આપવા માટે વિશેષ માર્ગદર્શન સેન્ટર્સ (Help Desks) કાર્યરત કરવામાં આવ્યા છે.
ઓનલાઈન ફોર્મ ભરવા આવતી વખતે ઉમેદવારોએ ધોરણ-૮, ૯ કે ૧૦ ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડ તેમજ જાતિ કે કેટેગરી (ST/SC/SEBC/EWS) નું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે. આ અંગેની વધુ વિગતો માટે ઉમેદવારોને નજીકની સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



