MORBIMORBI CITY / TALUKO

MORBI:વડનગર ખાતે L&T ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ માં બાંધકામ ક્ષેત્રે ૨ મહિનાની તદ્દન મફત રેસિડેન્શિયલ તાલીમ: મોરબીના યુવાનો પાસેથી અરજીઓ મંગાવાઈ

 

MORBI:વડનગર ખાતે L&T ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ માં બાંધકામ ક્ષેત્રે ૨ મહિનાની તદ્દન મફત રેસિડેન્શિયલ તાલીમ: મોરબીના યુવાનો પાસેથી અરજીઓ મંગાવાઈ

તાલીમ દરમિયાન રહેઠાણ, ભોજન અને શિક્ષણ સંપૂર્ણ મફત; કોર્સ પૂર્ણ થયા બાદ રોજગારીની સુવર્ણ તક

ઓછામાં ઓછું ધોરણ-૫ પાસ અને ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા શારીરિક સક્ષમ ઉમેદવારોને મોરબી જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા અનુરોધ

ગુજરાત સરકારના સહયોગથી રાજ્યના આશાસ્પદ યુવાનોને કૌશલ્ય વિકાસ (Skill Development) મારફતે રોજગારી અને આત્મનિર્ભરતાની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી અભિગમની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દેશની ખ્યાતનામ કંપની એલ એન્ડ ટી (L&T) દ્વારા ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (Centre of Excellence) સ્થાપિત કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર દ્વારા રાજ્યના ૧૮ થી ૩૫ વર્ષના શારીરિક રીતે સક્ષમ યુવાનોને બાંધકામ (Construction) ક્ષેત્રના વિવિધ ટેકનિકલ અને ઔદ્યોગિક ટ્રેડમાં રોજગારલક્ષી વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.

 

આ એક સંપૂર્ણ રેસિડેન્શિયલ (નિવાસી) તાલીમ કાર્યક્રમ છે, જેનો સમયગાળો ૨ મહિનાનો રહેશે. આ તાલીમ દરમિયાન પસંદગી પામેલા ઉમેદવારોને રહેવા, જમવા તેમજ તાલીમની તમામ સુવિધાઓ તદ્દન મફત પૂરી પાડવામાં આવશે. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ઉમેદવારોને એલ એન્ડ ટી (L&T) કંપની તેમજ બાંધકામ ક્ષેત્રના અન્ય નામાંકિત ઉદ્યોગોમાં આકર્ષક રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

આ રેસિડેન્શિયલ (નિવાસી) તાલીમમાં ભાગ લેવા ઉમેદવારની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ. ન્યૂનતમ ધોરણ-૫ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો આ તાલીમમાં જોડાઈ શકે છે. ઉમેદવારની લઘુતમ ઊંચાઈ ૧૫૫ સેન્ટીમીટર અને લઘુતમ વજન ૪૫ કિલોગ્રામ હોવું અનિવાર્ય છે. તેમજ ઉમેદવાર શારીરિક અને તબીબી (Medical) રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવા જોઈએ.

 

આ આધુનિક તાલીમ મેળવીને બાંધકામ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા મોરબી જિલ્લાના રસ ધરાવતા ઉમેદવારોએ જરૂરી અસલ દસ્તાવેજો સાથે ‘મોરબી જિલ્લા રોજગાર કચેરી’નો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી અને વહીવટી માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન ટેલિફોન નંબર ૦૨૮૨૨-૨૪૦૪૧૯ પર સંપર્ક કરવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!