KAMREJSURATSURAT CITY / TALUKO

કામરેજમાં નકલી ઘી બનાવવાનું નેટવર્ક ઝડપાયું: પામ ઓઈલ અને વનસ્પતિ તેલ ભેળવી ‘ગાયનું શુદ્ધ ઘી’ તરીકે વેચતા ફેક્ટરી માલિકની અટકાયત

સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની મોટી કાર્યવાહી: રૂ. ૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ શરૂ

સુરત: સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન રોકવા માટે સુરત રેન્જ આઈ.જી. શ્રી પ્રેમ વીર સિંહ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓ અન્વયે સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. કામરેજ તાલુકાના નવાગામ ઉદ્યોગનગરમાં ચાલતી એક ડેરી પ્રોડક્ટ્સની ફેક્ટરીમાં પામ ઓઈલ અને વનસ્પતિ તેલનું મિશ્રણ કરી નકલી ઘી બનાવી તેને “ગાયનું શુદ્ધ ઘી” તરીકે બજારમાં વેચવાનું મોટું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે.

એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી એ.એન. ચૌહાણ અને ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલ.સી.બી. શાખાના અ.હે.કો. હેમંતભાઈ ઈશ્વરભાઈ તથા અ.પો.કો. રમેશભાઈ માયાભાઈને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, નવાગામની સીમમાં આવેલ ‘નવાગામ ઉદ્યોગનગર’ પ્લોટ નંબર-૧૫ માં “આરાધ્યા માર્કેટીંગ એન્ડ ડેરી પ્રોડક્ટસ” નામના ગોડાઉનમાં શંકાસ્પદ નકલી ઘી બનાવવાનું નેટવર્ક ચાલી રહ્યું છે.

આ બાતમીના આધારે પોલીસે તુરંત જ દરોડો પાડ્યો હતો. જ્યાં ફેક્ટરીના માલિક કિરણભાઈ ઈશ્વરભાઈ મોદી (ઉં.વ. ૪૦, રહે. કતારગામ, સુરત) મોટા પ્રમાણમાં પામ ઓઈલ અને વનસ્પતિ તેલનું મિશ્રણ કરી શંકાસ્પદ ઘી બનાવી અલગ-અલગ સાઈઝના ડબ્બા અને જારમાં પેકિંગ કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી કિરણ મોદીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી ડેરી પ્રોડક્ટ્સ અને ઘી બનાવવા માટેનું કાયદેસરનું લાયસન્સ મેળવ્યું હતું. પરંતુ આ લાયસન્સની આડમાં તે પામ ઓઈલ, રિફાઈન્ડ ઓઈલ અને વનસ્પતિ ઘીનો જથ્થો ભેગો કરી, કેમિકલ પ્રોસેસ દ્વારા આબેહૂબ ઘી જેવો જ પદાર્થ તૈયાર કરતો હતો અને તેને “ગાયનું શુદ્ધ ઘી” ના નામે બજારમાં સપ્લાય કરતો હતો.

રૂ. ૩,૦૧,૫૯૦ નો મુદ્દામાલ જપ્ત

પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, સુરતના અધિકારીઓને સ્થળ પર બોલાવી શંકાસ્પદ ઘી અને તેલના સેમ્પલ મેળવી લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. ફેક્ટરીમાંથી પોલીસે નીચે મુજબની વસ્તુઓ સહિત કુલ રૂ. ૩,૦૧,૫૯૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

રિફાઈન્ડ તેલ અને પામોલીન તેલના ડબ્બાઓ (ધ્રુવ અને ચાન્સેલર બ્રાન્ડ)

શંકાસ્પદ તૈયાર ઘીના ડબ્બાઓ

બ્લેન્ડીંગ અને સ્ટોરેજ ટાંકા (ઈલેક્ટ્રીક મોટર સાથે)

ઘી બાળવાનું કેટલ મશીન અને ઓવન મશીન

પેકિંગ માટેના ખાલી પ્લાસ્ટિક જાર (આશરે ૨૦૦૦ નંગ), ખાલી પુંઠા અને ઢાંકણા

ટીન પેકિંગ મશીન, મેગ્નેટીક ઇન્ડક્શન સીલર, પાઉચ પેકિંગ અને લેબલ પ્રિન્ટિંગ મશીન

કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને સગડા

હાલમાં આ મામલે પોલીસે કાયદેસરની જાણવાજોગ ફરિયાદ નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ પ્રશંસનીય અને સફળ કામગીરી સુરત ગ્રામ્ય એલ.સી.બી.ના પી.આઈ. એન.જી. પાંચાણી, પીએસઆઈ એ.એન. ચૌહાણ, અ.હે.કો હેમંતભાઈ ઈશ્વરભાઈ, આ.હે.કો રાજેશભાઈ બળદેવભાઈ, અ.હે.કો તુષારભાઈ દતાત્રેય અને અ.પો.કો રમેશભાઈ માયાભાઈ દ્વારા સંયુક્ત ટીમવર્કથી કરવામાં આવી છે.

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

 

Back to top button
error: Content is protected !!