Gondal: ગોંડલમાં માનવતા મહેકી: ૧૮૧ અભયમ ટીમે માનસિક અસ્વસ્થ અને નિરાધાર મહિલાને આપ્યો સુરક્ષિત આશ્રય

તા.૨૬/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
સંકલન – હેમાલી ભટ્ટ
Rajkot: રાજ્ય સરકારની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગોંડલ ખાતે ૧૮૧ અભયમ ટીમે માનસિક રીતે અસ્વસ્થ અને નિઃસહાય મહિલાને સમયસર મદદ કરી સુરક્ષિત આશ્રયસ્થાને પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ હેલ્પલાઇન પર સંપર્ક કરી માહિતી આપવામાં આવી હતી કે, ગોંડલ વિસ્તારમાં એક અજાણ્યા મહિલા ખૂબ જ અસહાય અને દયનીય હાલતમાં મળી આવ્યા છે. આશરે ૩૦ વર્ષની ઉંમરના આ મહિલા માનસિક રીતે અસ્વસ્થ જણાતા હતા અને કશું જ બોલી શકવાની સ્થિતિમાં ન હોવાથી તેમને તાત્કાલિક સહાયની જરૂર હતી.
માહિતી મળતાની સાથે જ ગોંડલ ૧૮૧ અભયમ ટીમ સ્થળે પહોંચી ગઈ હતી. જેમાં કાઉન્સિલર ચૌધરી લતાબેન, મહિલા કોન્સ્ટેબલ પરવાનાબેન અને પાઇલોટ દિવ્યેશભાઈએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિત મહિલાની સંભાળ લીધી હતી. ટીમે મહિલાને સાંત્વના આપી, તેમની પાસેથી વિગતો મેળવવા કાઉન્સિલિંગનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માનસિક સ્થિતિ નબળી હોવાને કારણે મહિલા પોતાનું નામ કે સરનામું જણાવી શક્યા ન હતા.
અભયમ ટીમ દ્વારા તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરીને મહિલાને સુરક્ષિત આશ્રય અને યોગ્ય સંભાળ મળી રહે તે હેતુથી ‘માં અમરધામ આશ્રમ’ ખાતે આશ્રય અપાવવામાં આવ્યો છે.




