MORBI:મોરબીમાં નિયમો માત્ર ગરીબો માટે જ ??? નહેરુ ગેટની નાસ્તાગલીમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રની ચૂપકીદી પર ઉઠ્યા ગંભીર સવાલો







MORBI:મોરબીમાં નિયમો માત્ર ગરીબો માટે જ ??? નહેરુ ગેટની નાસ્તાગલીમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રની ચૂપકીદી પર ઉઠ્યા ગંભીર સવાલો


(રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી)
મોરબી : શહેરના વિકાસ, ટ્રાફિક વ્યવસ્થા અને સ્માર્ટ સિટી જેવા દાવાઓ વચ્ચે મોરબીના હૃદય સમાન ગણાતા નહેરુ ગેટ વિસ્તારની હકીકત કંઈક જુદી જ તસ્વીર રજૂ કરી રહી છે. શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાં ગણાતી નાસ્તાગલીમાં દુકાનદારો દ્વારા ખુલ્લેઆમ ગેરકાયદેસર દબાણો ઉભા કરવામાં આવ્યા હોવા છતાં જવાબદાર તંત્ર મૌન ધારણ કરી બેઠું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે સામાન્ય નાગરિકોમાં રોષ સાથે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.

માહિતી મુજબ નહેરુ ગેટની અંદર આવેલ નાસ્તાગલી વિસ્તારમાં અનેક દુકાનદારો દ્વારા દુકાનની સીમા બહાર ત્રણ-ત્રણ ફૂટ સુધી મોટા હોડિંગ બોર્ડ લગાવવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ તો દુકાનની આગળ બે થી ત્રણ ફૂટ સુધી કાયમી ઓટા બનાવી દેવામાં આવ્યા છે. પરિણામે પહેલેથી જ સાંકડા રસ્તાઓ વધુ સાંકડા બની રહ્યા છે અને પાદચારીઓ, મહિલાઓ, વૃદ્ધો તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોમાં એવી ચર્ચા પણ ઉઠી રહી છે કે શું આ દબાણો તંત્રને દેખાતા નથી? જો દેખાતા હોય તો પછી કાર્યવાહી કેમ થતી નથી? કારણ કે શહેરના અન્ય વિસ્તારોમાં નાના લારીઓવાળા, ગરીબ વેપારીઓ અથવા સામાન્ય નાગરિકો સામે તંત્ર દ્વારા તાત્કાલિક દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવે છે, દંડ ફટકારવામાં આવે છે અને કડક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ શહેરના મુખ્ય વેપારી વિસ્તારોમાં ખુલ્લેઆમ નિયમોનો ભંગ થતો હોવા છતાં કાર્યવાહી ન થવી અનેક શંકાઓને જન્મ આપી રહી છે.
નાગરિકોમાં એવી પણ ચર્ચા છે કે શું કેટલાક વેપારીઓને રાજકીય અથવા પ્રભાવશાળી લોકોનો આશીર્વાદ મળેલો છે? શું એ કારણે જ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે? જો સામાન્ય લોકો માટે નિયમો કડક હોય તો મોટા વેપારીઓ માટે અલગ કાયદો કેમ? આવા પ્રશ્નો હવે જાહેરમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે.

ટ્રાફિકની દૃષ્ટિએ પણ આ સ્થિતિ અત્યંત જોખમી બની રહી છે. સાંકડા રસ્તાઓ વચ્ચે બહાર નીકળેલા બોર્ડ અને ઓટાઓના કારણે ઘણી વખત વાહનચાલકોને મુશ્કેલી પડે છે, પાદચારીઓને રસ્તા પર ચાલવા માટે જગ્યા મળતી નથી અને અકસ્માતનો ભય સતત યથાવત રહે છે. ખાસ કરીને તહેવારો, રજાઓ અને સાંજના સમયે આ વિસ્તારમાં લોકોની ભારે અવરજવર રહેતી હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની જાય છે.
આ પહેલા પણ શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે અનેક જાહેરાતો અને ઝુંબેશો હાથ ધરાઈ હોવાના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ નહેરુ ગેટ જેવા મુખ્ય વિસ્તારોમાં આજેય નિયમોની ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળતા લોકોમાં તંત્ર પ્રત્યે અસંતોષ વધી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરીને પોતાની જવાબદારી પૂર્ણ થયાનો દેખાવ કરે છે, જ્યારે હકીકતમાં અસરકારક અમલ થતો નથી.
સ્થાનિક નાગરિકો હવે માંગ કરી રહ્યા છે કે શહેરના દરેક વિસ્તાર માટે એકસરખા નિયમો લાગુ કરવામાં આવે અને ગેરકાયદેસર દબાણો સામે ભેદભાવ વગર કડક કાર્યવાહી કરવામાં આવે. નહીં તો “નિયમો માત્ર ગરીબો માટે જ છે” તેવી માન્યતા વધુ મજબૂત બનશે.

હવે જોવાનું એ રહ્યું કે મોરબીનું જવાબદાર તંત્ર ખરેખર નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી શહેરને દબાણમુક્ત બનાવશે કે પછી આ મુદ્દો પણ અન્ય અનેક ફરિયાદોની જેમ માત્ર ચર્ચા અને કાગળો પૂરતો જ સીમિત રહી જશે. શહેરવાસીઓની નજર હવે તંત્રના આગામી પગલાં પર ટકેલી છે.




