
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ – બાયડ વિસ્તારમાં ઝડપાયેલા ૮.૨૬ લાખના દારૂ મામલે એસપીની કડક કાર્યવાહી – બે પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરાયા
અરવલ્લીમાં દારૂ કેસમાં બે પોલીસ જવાનો સસ્પેન્ડ
બાયડ વિસ્તારમાં ઝડપાયેલા ૮.૨૬ લાખના દારૂ મામલે એસપીની કડક કાર્યવાહી

અરવલ્લી જિલ્લામાં બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા મામલે જિલ્લા પોલીસ વડાએ બે પોલીસ જવાનો સામે કડક કાર્યવાહી કરતાં તેમને સસ્પેન્ડ કર્યા છે. પોલીસ વિભાગની આ કાર્યવાહીથી જિલ્લામાં પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ જિલ્લા એલસીબી પોલીસે બાયડ તાલુકાના નારાજીના મુવાડા ગામે હાઉસ રેઈડ હાથ ધરી હતી. રેઈડ દરમિયાન એક મકાનની દિવાલની બાજુમાં લાકડા અને ઘાસચારાની આડમાં સંતાડી રાખવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે સ્થળ પરથી અંદાજે રૂ. ૮.૨૬ લાખનો દારૂ જપ્ત કર્યો હતો.
આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસની કામગીરી અને દેખરેખ અંગે સવાલો ઊભા થતા જિલ્લા પોલીસ વડાએ તપાસ બાદ ફરજમાં બેદરકારી દાખવવા બદલ બાયડ પોલીસ સ્ટેશનના બીટ જમાદાર વિષ્ણુભાઈ ચૌધરી તથા ડી સ્ટાફમાં ફરજ બજાવતા કનુસિંહ સોલંકીને સસ્પેન્ડ કર્યા છે.જિલ્લા પોલીસ વડાની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મામલે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.





