હાલોલના નિર્માણ પેટ્રોલિયમ પંપ પર જિલ્લા પુરવઠા તંત્રના આકસ્મિક દરોડા, પેટ્રોલ-ડીઝલનું વેચાણ સ્થગિત, રેકોર્ડ અને DVR જપ્ત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૦.૫.૨૦૨૬
પંચમહાલ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગ્રાહકો, વાહનચાલકો અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે જિલ્લામાં પેટ્રોલ પંપો પર સઘન અને સતત તપાસણી હાથ ધરવામાં આવી રહી છે.આ ઝુંબેશના ભાગરૂપે,જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર અને તેઓની ટીમ દ્વારા મામલતદાર કચેરી, હાલોલના સ્ટાફને સાથે રાખીને એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.હાલોલ-વડોદરા હાઈવે પર બાસ્કા ખાતે આવેલ, જિતેન્દ્રકુમાર શંકરલાલ શાહ સંચાલિત નિર્માણ પેટ્રોલિયમ પેટ્રોલ પંપ (IOCL) પર પુરવઠા અધિકારીની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ ઓર્ડર, એસેન્શીયલ કોમોડીટીઝ એકટ તથા PESO એક્ટ અંતર્ગત ઇંધણનું છૂટક વેચાણ બેરલ અને કારબામાં કરવા પર મનાઈ ફરમાવેલ છે. આમ છતાં, આ પેટ્રોલ પંપ દ્વારા વાહનો સિવાય અલગ-અલગ કંપનીઓ અને ક્વોરી જેવા કોમર્શીયલ એકમોને તેમની જરૂરિયાત મુજબ મોટી માત્રામાં પેટ્રોલ/ડીઝલનું વેચાણ બેરલ તથા કારબામાં કરવામાં આવતું હોવાનું તપાસ દરમિયાન ઝડપાયું હતું. આ આઉટલેટ દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પરિપત્રોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. છેલ્લા ૬ મહિનાના સરેરાશ વપરાશના ડેટા કે પ્રોરેટા મુજબ ફાળવણીના કોઈ પણ પુરાવા ધ્યાને લીધા વિના, માત્ર પોતાના અંગત આર્થિક લાભ માટે આ વેચાણ કરાયું હોવાની શંકા છે. આ રીતે કારબા અને બેરલમાં ઇંધણનો જથ્થો આપવાના કારણે આગ લાગવાની તેમજ મોટી જાનહાની થવાની સંભાવના પણ રહેલી છે, જેથી જાહેર હિતમાં આવા વેચાણ પર પ્રતિબંધ છે.સરકારની જોગવાઈઓ વિરુદ્ધ જઈને સ્થાનિક ટુ-વ્હીલર, ફોર-વ્હીલર ચાલકો અને ખેડૂતોને ઇંધણ આપવાને બદલે ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક એકમો અને ક્વોરી તરફ જથ્થો ડાઈવર્ટ કરવામાં ન આવે તે હેતુથી,જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ પેટ્રોલ પંપનું ઇંધણ વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે.વધુ સઘન તપાસ અર્થે તંત્ર દ્વારા પેટ્રોલ પંપના CCTV ફૂટેજ ચકાસવા માટે DVR તેમજ તમામ રેકોર્ડ કબજે લેવામાં આવ્યા છે.જિલ્લા પુરવઠા કચેરી દ્વારા પંચમહાલ જિલ્લાના તમામ પેટ્રોલ પંપ સંચાલકોને આદેશ કરાયો છે કે જિલ્લાના વાહન ચાલકો તેમજ ખેડૂતોને ઇંધણની કોઈ અછત ન વર્તાય તે રીતે સંચાલન કરવું.જો કોઈ રીટેલ આઉટલેટ આ સૂચનાનો અમલ નહીં કરે અને જથ્થો ઇન્ડસ્ટ્રી કે ક્વોરીને ગેરકાયદેસર રીતે ડાઈવર્ટ કરશે તો તેની સામે કડકમાં કડક પગલાં લેવાશે.જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગરએ સ્પષ્ટ જણાવ્યું છે કે, આવનાર દિવસોમાં અન્ય રીટેલ આઉટલેટ્સ તેમજ જિલ્લાના ઔદ્યોગિક એકમો અને ક્વોરીઓની પણ આકસ્મિક તપાસ કરવામાં આવશે.જો કોઈ પણ સ્તરેથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ/ડીઝલ ડાઈવર્ટ કરવાનું કૌભાંડ સામે આવશે, તો તેમની સામે પણ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગેરરીતિ આચરનારાઓ સામે કડક પગલાં ભરી ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા જિલ્લા પુરવઠા તંત્ર સંપૂર્ણ કટિબદ્ધ છે.












