Rajkot: યોગ દ્વારા વજન નિયંત્રણ: સ્વસ્થ અને સુદ્રઢ શરીરની ચાવી

તા.૩૦/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન – કેતન સારેસા
સૂર્ય નમસ્કાર: ૧૨ આસન, અગણિત ફાયદા
દરરોજ યોગ-વ્યાયામ કરવાથી દિવસભર તાજગી રહે છે : યોગ – કોર્ડિનેટશ્રી
Rajkot: આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલી, બેઠાડુ જીવન અને જંક ફૂડના અતિરેકને કારણે ‘મેદસ્વિતા’ (Obesity) એ એક ગંભીર વૈશ્વિક સમસ્યા બની રહી છે. મેદસ્વિતા માત્ર શરીરનો દેખાવ જ નથી બગાડતી, પરંતુ તે ડાયાબિટીસ, હૃદયરોગ અને હાઈ બ્લડ પ્રેશર જેવા અનેક રોગોનું મૂળ પણ છે. આ પરિસ્થિતિમાં દવાઓ વિના, કુદરતી અને કાયમી રીતે વજન નિયંત્રિત કરવા માટે ‘યોગ’ એ સર્વશ્રેષ્ઠ અને વૈજ્ઞાનિક ઉપાય સાબિત થયો છે.

યોગના નિયમિત અભ્યાસથી શરીરનું મેટાબોલિઝમ (ચયાપચયની ક્રિયા) સુધરે છે અને વધારાની કેલરી ઝડપથી બર્ન થાય છે. મેદસ્વિતાને માત આપવા માટે નીચે દર્શાવેલા આસનો અને પ્રાણાયામ અત્યંત ગુણકારી નીવડે છે.

સૂર્ય નમસ્કાર એ ૧૨ શક્તિશાળી આસનોનો સમૂહ હોવાથી તેને એક સર્વાંગી કસરત માનવામાં આવે છે, જે આખા શરીરને સ્ટ્રેચિંગ અને કાર્ડિયો વ્યાયામ પૂરો પાડે છે. જો રોજ સવારે ખાલી પેટે નિયમિત રીતે ૧૦ થી ૧૨ સેટ સૂર્ય નમસ્કાર કરવામાં આવે, તો તેનાથી આખા શરીરની ચરબી ખૂબ જ ઝડપથી ઓગળે છે અને સ્નાયુઓ સુદ્રઢ બને છે.

ઉપરાંત, કપાલભાતિ પ્રાણાયામ એ પેટ અને કમરની આસપાસ જમા થયેલી જીદ્દી ચરબીને દૂર કરવા માટે એક રામબાણ ઈલાજ છે, કારણ કે તીવ્ર શ્વાસોચ્છવાસના સ્ટ્રોક્સથી પાચનતંત્ર મજબૂત થાય છે અને પેટના અવયવો કાર્યક્ષમ બનતા વજન ઘટાડવામાં સીધી મદદ મળે છે. તેની સાથે ત્રિકોણાસન કે, જેમાં શરીરનો આકાર ત્રિકોણ જેવો બને છે, શરીરની બંને બાજુઓ અને કમરના ભાગે જમા થયેલી ચરબી દૂર કરે છે અને કરોડરજ્જુ પણ લચીલી બને છે.

પશ્ચિમોત્તાનાસનથી પેટના સ્નાયુઓ પર સારો એવો દબાવ આવે છે, જે પાચનક્રિયા તેજ કરીને પેટ પરના મેદને નિયંત્રિત કરવામાં અકસીર સાબિત થાય છે. આ ઉપરાંત, ભુજંગાસન કરવાથી પેટના ભાગને સરસ ખેંચાણ મળવાને કારણે ત્યાંની ચરબી ઘટે છે, પીઠના સ્નાયુઓ મજબૂત થાય છે અને થાઈરોઈડ ગ્રંથિ ઉત્તેજિત થતાં ચયાપચય (મેટાબોલિઝમ) સુધરે છે જે વજન નિયંત્રણમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
યોગાભ્યાસ માટે જરૂરી માર્ગદર્શિકા
હંમેશા સવારે ખાલી પેટે અથવા જમ્યાના ૪ કલાક પછી જ યોગ કરવા જોઈએ. નિયમિતતા એ જ ઉત્તમ પરિણામની ચાવી છે, તેથી અઠવાડિયામાં ઓછામાં ઓછા ૫ દિવસ ૩૦ થી ૪૫ મિનિટ યોગાભ્યાસ અનિવાર્ય છે. આ સાથે શરીરના સંતુલન માટે આહાર પર નિયંત્રણ રાખીને, સાત્વિક અને ફાઈબરયુક્ત ઘરનો ખોરાક લેવો હિતાવહ છે.
ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય વારસા સમાન યોગને વૈશ્વિક મંચ સુધી લઈ જવાનો મુખ્ય શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના ૬૯મા સત્રમાં પોતાના ઐતિહાસિક સંબોધન દરમિયાન વડાપ્રધાનશ્રીએ સમગ્ર વિશ્વને યોગનું મહત્વ સમજાવી ૨૧ જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો , જેના કારણે ૨૧ જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર શ્રીમતી મીતાબેન તેરૈયાએ યોગના મહત્વ વિશે જણાવ્યું કે, ‘આપણા રસોડામાં જ તમામ ઔષધિઓ છે. રોજ સવારે ૧ કલાક યોગ-વ્યાયામ અને સાંજે ૧૫ મિનિટ ધ્યાન કરવાથી દિવસભર સંપૂર્ણ તાજગી રહે છે. બાળપણથી જ યોગ કરવાથી બાળકોમાં મેદસ્વિતા ઘટે છે, એકાગ્રતા વધે છે અને સ્ક્રીન ટાઈમ ઓછો થાય છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા આયોજિત યોગ સમર કેમ્પથી બાળકોનો સર્વાંગી વિકાસ થશે.
યોગ સમર કેમ્પમાં ભાગ લેનાર બાળકના વાલી પૂનમબેન નાગરેચાએ પોતાના પુત્રનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, ‘મારો પુત્ર છેલ્લા ૩ વર્ષથી સમર યોગ કેમ્પમાં ભાગ લઈ રહ્યો છે. યોગાભ્યાસના કારણે તેનામાં અદ્ભુત પરિવર્તન આવ્યું છે; તેની એકાગ્રતા, અનુશાસન અને સ્ફૂર્તિમાં વધારો થયો છે. એટલું જ નહીં, યોગના કારણે તેનો સ્ક્રીન ટાઈમ પણ ઘટ્યો છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આવી સુંદર કામગીરી કરવા બદલ હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હૃદયપૂર્વક આભાર માનું છું.



