MORBIMORBI CITY / TALUKO

MORBI ‘લગ્ન કરવા ઘર છોડી નીકળેલી ૧૭ વર્ષની કિશોરીનું ‘૧૮૧ અભયમ’ ટીમે સંવેદનશીલ કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું

 

MORBI ‘લગ્ન કરવા ઘર છોડી નીકળેલી ૧૭ વર્ષની કિશોરીનું ‘૧૮૧ અભયમ’ ટીમે સંવેદનશીલ કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું

વાંકાનેર આશ્રમ નજીક ગભરાયેલી હાલતમાં મળેલી કિશોરીને સાંત્વના આપી સુરક્ષિત ઘરે પહોંચાડતી અભયમ ટીમ

પરિવારને કાયદાકીય માર્ગદર્શન સાથે દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવા અને યોગ્ય ઉંમરે જ લગ્ન કરાવવા કરાયું લાંબુ સમજાવટભર્યું કાઉન્સેલિંગ

મહિલાઓ અને બાળાઓ માટે ચોવીસ કલાક કાર્યરત ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને ગત તા. ૨૭/૦૫/૨૦૨૬ ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા પર કોલ કરી માહિતી આપવામાં આવી હતી કે, વાંકાનેર સિવિલ હોસ્પિટલથી આગળ આવેલા એક આશ્રમ નજીક છેલ્લા ૯ કલાકથી એક અજાણી કિશોરી અત્યંત ગભરાયેલી અને ચિંતાતુર હાલતમાં એકલી બેઠી છે અને પોતાનું સરનામું પણ આપી શકતી નથી.

 

આ સંવેદનશીલ બાબતની જાણ થતાં જ ૧૮૧ અભયમ ટીમે તાત્કાલિક ઘટના સ્થાન પર પહોંચી સૌપ્રથમ કિશોરીને સાંત્વના આપી પૂરતો વિશ્વાસ કેળવ્યા બાદ ખૂબ જ ધીરજપૂર્વક કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન ૧૭ વર્ષની આ કિશોરીએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે, તે એક યુવકના પ્રેમમાં છે અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. પરંતુ કાયદેસરની ઉંમર ન હોવાથી માતા-પિતાએ લગ્ન કરવાની ના પાડી હતી તેમજ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવા બદલ પિતાએ મોબાઈલ લઈ લઈને ઠપકો આપતા તે કોઈને કહ્યા વિના બપોરે ઘરેથી નીકળી ગઈ હતી.

 

ત્યારબાદ અભયમ ટીમે કિશોરીના પરિવારનો સંપર્ક સાધી તેમને કચેરીએ બોલાવ્યા હતા. ટીમે પરિવારને કાયદાકીય જોગવાઈઓની સમજ આપી દીકરી સાથે મારઝૂડ ન કરવા, અયોગ્ય વર્તન ન રાખવા તેમજ તેને ઉચ્ચ શિક્ષણ આપી કાયદેસરની ઉંમર થયા બાદ જ લગ્ન કરાવવા અંગે લાંબી સમજાવટ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાઉન્સેલિંગના અંતે કિશોરીએ પણ પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં ક્યારેય આવું પગલું ન ભરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ૧૮૧ ની ટીમે કિશોરીને રાજીખુશીથી તેના પરિવારને સહી-સલામત સોંપતા, દીકરીને હેમખેમ પરત મેળવી ભાવુક બનેલા શ્રમિક પરિવારે અભયમ ટીમની ત્વરિત અને સંવેદનશીલ કામગીરીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!