NAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના મુખ્ય માર્ગો પર પશુઓ છોડનાર સામે કડક કાર્યવાહી થશે : નવસારી મહાનગરપાલિકાની ચેતવણી

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

Screenshot

નવસારી શહેરમાં વધતા ટ્રાફિકના દબાણને ઘટાડવા, માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને નાગરિક સુવિધાઓ જાળવવા માટે નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો, વ્યસ્ત રસ્તાઓ અને હાઈવે પર પશુઓને રખડતા છોડવા અથવા બિનજવાબદારીપૂર્વક ખુલ્લા મૂકવા પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાના CNCD (Cattle Nuisance Control Department) વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, જો કોઈ પશુ રસ્તા પર રખડતું કે ચરતું જોવા મળશે તો તેને તાત્કાલિક પકડીને પાંજરાપોળમાં મોકલવામાં આવશે. સાથે જ સંબંધિત પશુપાલક સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

તંત્રએ જણાવ્યું છે કે મુખ્ય માર્ગો પર રખડતા પશુઓના કારણે અકસ્માતની સંભાવનાઓ વધી રહી છે. ટ્રાફિક જામ, નાગરિકોને થતી હાલાકી તેમજ શહેરની સ્વચ્છતા પર પણ તેની ગંભીર અસર પડી રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને દૈનિક વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

નવસારી મહાનગરપાલિકાએ પશુપાલકોને અપીલ કરી છે કે તેઓ પોતાના પશુઓને જાહેર માર્ગો પર ન છોડે અને યોગ્ય સ્થળે જ રાખે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ અભિયાનનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ શહેરમાં સુરક્ષિત, સ્વચ્છ અને વ્યવસ્થિત વાતાવરણ ઊભું કરવાનો છે.

સાથે જ નાગરિકોને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે જો પ્રતિબંધિત વિસ્તારોમાં પશુઓ રખડતા જોવા મળે તો તેની જાણ સંબંધિત વિભાગને તાત્કાલિક કરે, જેથી ઝડપી કાર્યવાહી થઈ શકે.

Back to top button
error: Content is protected !!