GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં ભારે વરસાદ વચ્ચે બચાવ દળોનું મહા રેસ્ક્યુ ઓપરેશન,14 હજારથી વધુ નાગરિકો સલામત સ્થળે ખસેડાયા

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ભારે વરસાદ વચ્ચે જિલ્લા વહીવટીતંત્રની દિવસ-રાત કામગીરી; અસરગ્રસ્તોને આશ્રય, ભોજન અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ

નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદ અને સર્જાયેલી પૂર જેવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ, રાહત અને સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાભરમાં વિવિધ બચાવ દળો સતત મેદાનમાં રહી અસરગ્રસ્ત નાગરિકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવા માટે દિવસ-રાત કામગીરી કરી રહ્યા છે.

જિલ્લા વહીવટીતંત્રને NDRF, SDRF, સ્થાનિક તરવૈયાઓ, ફાયર બ્રિગેડ, પોલીસ તંત્ર સહિત વિવિધ બચાવ ટીમોનો સતત સહયોગ મળી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય સેના (Indian Army) પણ બચાવ કામગીરીમાં સક્રિય રીતે જોડાઈ છે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી કરી રહી છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં 14,000થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળો અને આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત પરિવારોને આશ્રયસ્થાનોમાં રહેવા, ભોજન, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય સેવાઓ તેમજ અન્ય આવશ્યક સુવિધાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું છે કે બચાવ અને રાહત કામગીરી હજુ પણ સતત ચાલુ છે અને જ્યાં જરૂરિયાત ઊભી થાય ત્યાં તાત્કાલિક રેસ્ક્યુ ટીમો મોકલવામાં આવી રહી છે. સમગ્ર કામગીરી પર ઉચ્ચ અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે.

વહીવટીતંત્રે જિલ્લાના નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવા તેમજ સ્થળાંતર અંગે તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરી જરૂરી સહકાર આપવા અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!