વાવ-થરાદમાં વરસાદી કહેર : પાક બરબાદ, મકાનો અને ઢોરના શેડ ધરાશાયી – ખેડૂતોની સહાય માટે પોકાર

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ પંથકમાં મોડી રાત્રે અચાનક ખાબકેલા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખેતરોમાં લણણી કરીને તૈયાર રાખેલી બાજરી વરસાદી પાણીમાં પલળી જતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
વિસ્તારના અનેક ગામોમાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે મકાનો તેમજ ઢોર બાંધવાના શેડોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક સ્થળોએ શેડ ધરાશાયી થતાં પશુપાલકોમાં પણ ચિંતા ફેલાઈ છે.
ખેડૂતોનું કહેવું છે કે મહેનત કરીને તૈયાર કરેલો પાક વેચાણ પહેલાં જ વરસાદના કારણે બગડી ગયો છે, જેના કારણે તેમના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. પાકને થયેલા નુકસાનની સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવી છે.
ખેડૂત આગેવાનોનું કહેવું છે કે અચાનક પડેલા વરસાદે બાજરી સહિતના પાકને ભારે અસર પહોંચાડી છે. સરકાર તાત્કાલિક અસરથી નુકસાનનું મૂલ્યાંકન કરીને સહાય જાહેર કરે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે.



