
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

મેઘરાજાના આગમનની આહટ સાથે ડાંગ જિલ્લાના આદિવાસી ખેડૂતો ખેતીની આગોતરી તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે.વરસાદના પ્રથમ ફોરા પડે તે પહેલા ખેડૂતો પોતાના બળદોને ખેતીકામ માટે સજ્જ બનાવવા પરંપરાગત તાલીમ આપતા જોવા મળી રહ્યા છે.ડાંગના વિવિધ ગામોમાં બળદોને ખાલી હળ (જુસરું) બાંધીને પહાડી તેમજ પાકા રસ્તાઓ પર ચલાવવાની કવાયત શરૂ થઈ છે.ડાંગ જિલ્લાની વિશિષ્ટ પહાડી અને પથરાળ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ તાલીમ વર્ષોથી ચાલી આવતી પરંપરાનો મહત્વનો ભાગ છે.ઉનાળાના ચાર મહિના દરમિયાન ખેતીકામથી દૂર રહેલા બળદો લાંબા આરામ બાદ ફરીથી શ્રમ માટે તૈયાર થઈ શકે તે હેતુસર ખેડૂતો તેમને નિયમિત રીતે હળ ખેંચવાની તાલીમ આપે છે.ખેડૂતોના જણાવ્યા મુજબ, લાંબા આરામ બાદ અચાનક ભારે ખેતીકામ કરાવવાથી બળદો ઝડપથી થાકી શકે છે અથવા બીમાર પડી શકે છે. ખાસ કરીને નવા અને યુવાન બળદોને હળની દિશા અને ખેડૂતના સંકેતો સમજવામાં મુશ્કેલી પડે છે. ડાંગના ઢોળાવવાળા અને પથરાળ ખેતરોમાં બળદો બેકાબૂ બને તો અકસ્માતની શક્યતા પણ વધી જાય છે.પાકા અને ચઢાણવાળા રસ્તાઓ પર ખાલી હળ ખેંચાવવાથી બળદોના પગ અને સ્નાયુઓ મજબૂત બને છે તેમજ તેમની સહનશક્તિમાં વધારો થાય છે. ઉપરાંત ઉનાળામાં વધી ગયેલી ખરીઓ (નખ) રસ્તા પર ચાલવાથી કુદરતી રીતે ઘસાઈને યોગ્ય આકારમાં આવી જાય છે, જેના કારણે ખેતરમાં કામ કરતી વખતે તેમને ઈજા થવાની શક્યતા ઘટે છે.
આ તાલીમ દરમિયાન હળમાં જોડાયેલા બંને બળદો પરસ્પર તાલમેલ સાથે એકસરખી ગતિએ ચાલવાનું પણ શીખે છે. પરિણામે વાવણીના સમયે ખેડૂતને વધુ સરળતા રહે છે અને કિંમતી સમયનો બગાડ થતો નથી.ઉલ્લેખનીય છે કે ડાંગના આદિવાસી સમાજ માટે બળદ માત્ર પશુ નહીં, પરંતુ પરિવારના સભ્ય સમાન ગણાય છે. જિલ્લામાં મુખ્યત્વે ડાંગર (ચોખા), નાગલી અને વરાઈ જેવા પાકોની ખેતી કરવામાં આવે છે,જેમાં સમયસરની વાવણી અને રોપણી અત્યંત મહત્વ ધરાવે છે.
આધુનિક ટ્રેક્ટરોના યુગમાં પણ ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં પરંપરાગત ખેતી પદ્ધતિઓ અને પશુધનનું મહત્વ આજે પણ અકબંધ છે. બળદોને આપવામાં આવતી આ અનોખી તાલીમ ડાંગી ખેડૂતોની દૂરંદેશી, આયોજનશક્તિ અને પ્રકૃતિ સાથેના તેમના ગાઢ સંબંધનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે..



