
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – વલુણા ગ્રામસેતુ ગૌશાળા ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ સેન્ટર & ખરીફ પાકો નું ડેમોસ્ટેશન કીટ વિતરણ પાઠશાળા કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્ય નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વિસ્તરણ નિયામક આર. એ. ગુજ્જર સાહેબનું ભવ્ય સન્માન, ખેડૂતોને કૃષિ કીટનું વિતરણ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વલુણા ગામ સ્થિત ગ્રામસેતુ ગૌશાળા ખાતે ગુજરાત રાજ્ય નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ દ્વારા પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુજરાત રાજ્ય નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના આદરણીય વિસ્તરણ નિયામક આર. એ. ગુજ્જર સાહેબે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદન અને ગૌ આધારિત ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ દ્વારા જમીનની ફળદ્રુપતા જાળવી રાખી ખર્ચમાં ઘટાડો કરી શકાય છે અને ખેડૂતો વધુ આવક મેળવી શકે છે.કાર્યક્રમ દરમિયાન અરવલ્લી જિલ્લા અને મહીસાગર જિલ્લા ના પ્રગતિશીલ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને અન્ય ખેડૂતો સુધી તેનો સંદેશ પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
ગૌશાળાના પવિત્ર અને પ્રેરણાદાયી વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, ગૌપ્રેમીઓ, પ્રાકૃતિક કૃષિના કાર્યકરો અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અંગેના પોતાના પ્રશ્નોના નિરાકરણ મેળવી ઉપયોગી માહિતી પ્રાપ્ત કરી હતી.આ પ્રસંગે ગ્રામસેતુ ગૌશાળા પરિવાર દ્વારા શ્રી આર. એ. ગુજ્જર સાહેબનું શાલ ઓઢાડી અને સન્માનપત્ર અર્પણ કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ અને ગૌ સંવર્ધન ક્ષેત્રે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી.કાર્યક્રમના સફળ આયોજન માટે ગૌશાળા પરિવાર, પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા કાર્યકરો તેમજ સ્થાનિક આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન અરવલ્લી જિલ્લા સ્ટાર પ્રચારક પ્રાકૃતિક કૃષિ શ્રી ભાવેશ કે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.અંતે સૌએ “પ્રાકૃતિક ખેતી – સમૃદ્ધ ખેડૂત, નિરોગી સમાજ” ના સંકલ્પ સાથે પ્રાકૃતિક કૃષિને વધુ વ્યાપક બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.ગ્રામસેતુ ગૌશાળા પરિવાર, વલુણા અરવલ્લી જિલ્લા પ્રાકૃતિક ખેતી તાલીમ કેન્દ્રમુખ્ય વલુણા ગૌશાળા ખાતે પ્રાકૃતિક કૃષિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો



