Rajkot: કુદરતી આફતોમાં જીવન રક્ષક બનતી રાજકોટની એસ.ડી.આર.એફ. ટીમ

તા.૩/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
પૂર, વાવાઝોડું, ધરતીકંપ, આગજની જેવી આપત્તિઓ સમયે મદદરૂપ બનવા જવાનો ખાસ તાલીમથી સુસજ્જ
રાજકોટ સહીત રાજ્યમાં ૧૧ એસ.આર.પી. જૂથો માં ૧૧ કંપની, ચોમાસા પૂર્વે એક મહિનાની રીફ્રેશર ટ્રેનિંગ ચાલુ
વર્ષ ૨૦૧૩થી આજ સુધીમાં અમારી ટીમ દ્વારા ૬૦૦થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે : પોલીસ ઇન્સ્પેકટર શ્રી મયુર કોટડિયા
Rajkot: “સાહેબ, જામનગરના ગામમાં પૂર આવ્યું છે. કેટલાક માણસો ફસાયા છે. જલ્દીથી મદદ માટે આવો….” રાજકોટ એસ.ડી.આર.એફ. ટીમને મદદ માટે કોલ આવે છે. કેટલા માણસો છે, શું પરિસ્થિતિ છે તે અંગે ખાસ વિગત નહીં, પણ અમારી ટીમ પુરી સજ્જતા સાથે પહોંચી જાય છે.

પહેલા વિચાર્યું હતું કે, બે-ચાર લોકો પાણીના પુરમાં ફસાયા હશે, પરંતુ ત્યાં ગયા પછી ખબર પડી કે આશરે ૮૦થી વધુ માણસો નદીના પૂરમાં ફસાયા છે. જેઓને જીવના જોખમે રેસ્ક્યુ કરવામાં આવે છે. અમારી ટીમે ખૂબ જ મોટું ઓપરેશન પાર પાડી અનેક લોકોની જિંદગી બચાવી, અને તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો… આ શબ્દો છે રાજકોટના ઘંટેશ્વર સ્થિત એસ.આર.પી. જવાનોની એસ.ડી.આર.એફ. ગ્રુપ-૧૩ની ટીમના પોલીસ ઇન્સ્પેકટર શ્રી મયુર કોટડિયાના.

રાજકોટના એસ.આર.પી. ગ્રુપ હેઠળના એસ.ડી.આર.એફ.-૧૩ ગ્રુપને રાજકોટ જિલ્લા ઉપરાંત જામનગર અને મોરબીમાં પણ કામગીરી અર્થે ફરજ સોંપવામાં આવે છે. શ્રી મયુરભાઈ જણાવે છે કે, રાજકોટ, ધોરાજી, ઉપલેટા સહિતના તાલુકાઓમાં પૂર સમયે ગ્રામીણ વિસ્તારમાં અમારી ટીમની વિશેષ જરૂરિયાત રહે છે, વર્ષ ૨૦૧૩થી આજ સુધીમાં અમારી ટીમ દ્વારા ૬૦૦થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

દર વર્ષે ચોમાસામાં અનેક ગામોમાં પાણી ભરાય, પૂર આવે, ત્યારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ બચાવ અને રાહત કામ માટે પહોંચી જાય. કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ સમયે મદદરૂપ બનવું એ તેમનું મુખ્ય લક્ષ્ય. ત્યારે આવો જાણીએ એસ.ડી.આર.એફ. શું છે અને તે કેવી રીતે કામ કરે છે.

વર્ષ ૨૦૧૩માં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા માનવસર્જિત અને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ, પૂર્વતૈયારી અને રાહત-બચાવની કામગીરી અર્થે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની રચના કરવામાં આવી. જે એન.ડી.આર.એફ. સાથે મળીને કામ કરે છે. સ્ટેટ રીઝવ પોલીસ (એસ.આર.પી.) ના ૨૩ યુનિટ પૈકી ૧૧ યુનિટમાં એસ.ડી.આર.એફ. ની ૧૧ કંપની કાર્યરત છે. દરેક કંપનીમાં ત્રણ ટીમ કાર્યરત હોય છે. ટીમમાં ૩૩ જેટલા જવાનો જોડાયેલા હોય છે. તેમ માહિતી આપતા શ્રી મયુરભાઈ જણાવે છે.

એસ.ડી.આર.એફ. ટ્રેનીંગ
કુદરતી આફત સમયે માનવ જિંદગી બચાવી શકે તે માટે એસ.ડી.આર.એફ. જવાનોને ૪૫ દિવસની બેઝિક અને અન્ય ખાસ તાલીમ આપવામાં આવે છે. જેમાં મેડિકલ ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે પ્રિ- હોસ્પિટલ ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી, કોલેપ્સ સ્ટ્રક્ચરમાં લોકોને કેવી રીતે બચાવવા, ફ્લડમાં ડૂબતા લોકોને બોટમાં કે રોપ દ્વારા બચાવ કાર્ય, કેમિકલ કે બાયોકેમિકલ ડિઝાસ્ટર સહિતની તાલીમ આપવામાં આવે છે. રાજ્યમાં બરોડા અને ગાંધીનગર એમ બે સ્થળે એન.ડી.આર.એફ. દ્વારા તાલીમ અપાય છે. જરૂર પડ્યે બે સપ્તાહની સ્પેશિયલાઈઝ ટ્રેનિંગ પણ એન.ડી.આર.એફ. દ્વારા આપવામાં આવતી હોવાનું શ્રી કોટડીયાએ ઉમેર્યું હતું.
ટીમને બચાવ અને રાહત માટે જરૂરી સાધનો
એસ.ડી.આર.એફ. ટીમને સ્ટ્રેચર સહીત મેડિકલ કીટ, બોટ, તરાપા, રબર બોટ, ભૂકંપ ગ્રસ્ત બિલ્ડીંગ માટે કટિંગ કીટ, હાઇડ્રોલિક જેક સહિતના સાધનો આપવામાં આવે છે. રિમોટ દ્વારા ઓપરેટ થતું દૂરબીનયુક્ત વિહિકલ (અન્ડર વોટર રિમોટ કંટ્રોલ વિહિકલ) કે જે ઊંડા પાણીમાં શોધખોળ કરી શકે તે પ્રકારનું સાધન ઉપલબ્ધ કરાયું છે. જેનો ઉપયોગ કરીને મોગલમાંના મંદિર પાસે ડૂબી ગયેલ વ્યક્તિની ડેડ બોડીને શોધવામાં મદદરૂપ બનવામાં આવ્યું હોવાનું શ્રી કોટડીયાએ જણાવ્યું છે.
એસ.ડી.આર.એફ. ના પોલીસ ઇન્સ્પેકટરશ્રીએ કહ્યું હતું કે, ચોમાસાના પ્રારંભે પૂર્વ તૈયારીના ભાગરૂપે મે-જૂન માસમાં એક મહિનાની તાલીમ ચાલી રહી છે. નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.ડી. ગોહિલના માર્ગદર્શનમાં હાલમાં આજી ડેમ ખાતે લોન્ગ ડિસ્ટન્સ સ્વિમિંગ, ડીપ ડાઇવ, સ્પીડ બોટીંગ, તેમજ રેસ્ક્યુ તાલીમ આપવામાં આવી હતી.
પર્યાવરણમાં થઇ રહેલા સતત ફેરફારના કારણે પૂર, વાવાઝોડું જેવી કુદરતી આફત ક્યારેય પણ આવી શકે છે, ત્યારે લોકોએ સચેત રહેવું જરૂરી છે. માનવ જિંદગી બચાવ અર્થે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે. ડિઝાસ્ટર વિભાગ હેઠળની એસ.ડી.આર.એફ. ટીમ સતત એલર્ટ રહી મુશ્કેલીના સમયે માનવ જિંદગી બચાવ અર્થે તેમની પ્રતિબદ્ધતા સિદ્ધ કરી રહી છે.


